યુ- ટયુબ અને ફેસબૂકના નામે ઘરની ધોરાજી ચલાવતા લેભાગુ પત્રકારો સામે તંત્રની લગામ જરૂરી
બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળેલા કહેવાતા પત્રકારો સમાજ માટે જોખમરૂપ
લોકશાહીના આધારસ્થંભ અને ચોથી જાગીર ગણાતા પત્રકારત્વની વિશ્વનીયતા સામે કહેવાતા પત્રકારો કલંકરૂપ
અખબાર સમાજનો અરિસો કહેવામાં આવે છે. લોકશાહીના આધારસ્થંભ અને ચોથી જાગીરની વિશ્ર્વનીયતા પર કોરોના વાયરસની જેમ ફેલાયેલા કહેવાતા પત્રકારો સમાજ માટે જોખમરૂપ બન્યા છે. સાવરકુંડલા પંથકના તબીબો અને બોટાદના ટયુશન કલાસિસ સંચાલકને કહેવાતા પત્રકારોએ બ્લેક મેઇલીગં કરી ‘તોડ’ કર્યાની ઘટના પોલીસમાં નોંધાઇ છે. આવી ઘટના સૌરાષ્ટ્રના તમામ સેન્ટરમાં માથાનો દુ:ખાવો બની છે. બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા કહેવાતા પત્રકારોને પિળો પરવાનો મળી ગયો હોય તેમ ગમે ત્યાં ‘તોડ’ માટે કુદી પડતા પત્રકારોને તેની ચેનલ કે અખબાર અંગે પૂછવામાં આવે ત્યારે તે પોતાની યુટયુબ અને ફેશબુક પર પસારણ કરતા હોવાનું કહે છે. વાસ્તવમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી બ્લેક મેઇલીંગ કરવામાં આવતું હોવાથી આવા કહેવાતા પત્રકારો સમાજ માટે ઘાતક બને તે પહેલાં તત્ર દ્વારા આકરી કાર્યવાહી જરૂરી બની છે.
સાચા પત્રકારત્વ સમાજ માટે ઘણા જરૂરી છે. પત્રકારો દ્વારા રજુ થતા સમાચાર સમાજ માટે વિશ્ર્વનીય છે. ત્યારે કોઇ ચેનલ સાથે કે અખબાર સાથે સિધી રીતે કે આડકતરી રીતે જોડાયા ન હોય તેવા કહેવાતા બોગસ પત્રકારોનો છેલ્લા કેટલાક સમયથી રાફળો ફાટયો છે. સોશ્યલ મિડીયાના માધ્યમથી ચલાવાતી ચેનલ અને વેબપોર્ટરના કાર્ડ બુટલેગર અને ગુંડાઓને વેચાતા આપવામાં આવી રહ્યા હોવાથી દારૂના ધંધાર્થીઓ અને અસમાજીક તત્વો પત્રકારના કાર્ડ લઇ રોફ જમાવતા અટકાવવા જરૂરી બન્યું છે.
બોગસ પત્રકાર દ્વારા ચલાવાતી સોશ્યલ મિડીયામાં ચેનલ કે વેબપોર્ટલ માટે તંત્ર દ્વારા કોઇ મંજુરી લેતા ન હોવાથી આવા લેભાગુ પત્રકારો પોતાની ઘરની ધોરાજી ચલાવતા હોય છે. તેઓને તાકીદે અટકાવવામાં નહી આવે તો સમાજ માટે દુષણ સમાન બની રહેશે અને સાચા પત્રકારોની વિશ્ર્વનીયતા સામે અનેક સવાલો ઉભા થાય તેમ હોવાથી તંત્ર દ્વારા બની બેઠેલા પત્રકારો સામે આકરી કાર્યવાહી કરી દુષણને તાકીદે હટાવવું જરૂરી બન્યું છે.
સાવરકુંડલા પંથકના તબિબો પાસેથી તોડ કરતી બોગસ પત્રકાર ટોળકી ઝડપાઈ
અમરેલી જીલ્લાના સાવરકુંડલા પંથકના તબિબો પાસે સમાચાર ન છાપવાના બહાને બ્લેકમેઈલીંગ કરી રૂપિયા પડાવતી બોગસ પત્રકારની ગેંગના પાંચ શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામે રહેતા અને આયુર્વેદીક તબીબ રાજેશભાઈ હરદાશભાઈ નાકરાણી નામના યુવાને સાવરકુંડલા ખાતે રહેતો અરમાન સલીમ ધાનાણી, વંડા ગામનો અશોક હાવડીયા, કરઝાળા ગામનો હનીફ, સાવરકુંડલાનો અનવર પઠાણ અને એક અજાણ્યા શખ્સે તમો કોરોનાના દદર્ીની સારવાર કરો છો કે કેમ તે અંગેનો સરકારી સર્વે કરવાના બહાને બ્લેકમેઈલીંગ કરી તોડ કરવાનો પ્રયાસની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ગુરૂવારે તબિબ રાજેશભાઈ પોતાના ક્લીનીક પર હતા ત્યારે ઉપરોક્ત પાંચેય શખ્સો કોરોનાના મહામારીના સર્વે કરી છીએ તેમ કહી તમારે ત્યાં સારવારમાં આવતા દદર્ીઓનું લીસ્ટ માંગતા તેમજ તેમાં શંકાસ્પદ દદર્ીઓ કેટલા તેમજ તમારી ડીગ્રી અંગે પુછતા તેઓએ જણાવેલ કે હું બી.એ.એમ.એસ. હોવાથી પ્રેક્ટીસ કરી શકું ત્યારે બોગસ પત્રકારોએ તમો બોગસ દવા આપો છો અને દવાખાનું બોગસ છે તેવા સમાચાર પેપરમાં છાપવા પડશે અને તમારું ક્લીનીક બંધ કરાવી દઈ જેલમાં પુરાવી દેવાની ધમકી આપી રૂા.૫૦ હજારની માંગ કરી હતી. પરંતુ ત્યારે બંન્ને વચ્ચે રકજક થતાં તબિબ રાજેશભાઈ બેભાન થઈ જતાં તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડ્યા હતા. બાદ બીજા દિવસે ઉપરોક્ત પત્રકારો ફરી ક્લીનીક પર આવી રૌફ જમાવ્યો હતો.
બાદ ગાધળકા ગામે દવખાનું ચલાવતા તબિબ ધર્મેન્દ્ર સેલડીયાનો ફોન આવેલ કે ઉપરોક્ત પાંચેય શખ્સોએ મોટા જીંજુડા ગામના દલપત આહીર પાસેથી રૂા.૧૫ હજાર, નેસડી ગામના દિનેશભાઈ વૈદ્ય પાસેથી ૩૧૦૦ રૂપિયા બળજબરીથી પડાવેલા તેમજ મહેશભાઈ કલાવીયા અને ધર્મેન્દ્ર સેલડીયાને બ્લેકમેઈલીંગ કરી રૂપિાયા પડાવવાનો કારસો રચ્યાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલતા પોલીસે ઉપરોક્ત પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એન.એસ.વ્યાસ ચલાવી રહ્યા છે.