રાજકોટમાં બાળકનું દોરીથી ગળું કાપતા મોત થયું જ્યારે જામનગર અને જુનાગઢમાં પતંગ લૂંટવા જતા તરુણ, યુવાન પટકાતા મોત નિપજ્યું
રાજકોટ,અમરેલી,જામનગર,જૂનાગઢ,મોરબીમાં ૧૦૦ લોકો દોરથી ઘવાયા
ઉતરાયણનો પર્વ સૌરાષ્ટ્ર માટે ગોઝારો બન્યો હતો.જેમાં રાજકોટમા કાતિલ દોરીએ ૬ વર્ષના માસૂમ બાળકનું ગળુ કપાતા મોત નિપજ્યું હતું. જયારે જૂનાગઢના મેંદરડામા અને જામનગરમા યુવાન પતંગ પકડવા જતા પટકાતા મોતને ભેટ્યા હતા. અને પતંગ- દોરીથી રાજકોટ,જામનગર,જૂનાગઢ,અમરેલી,મોરબીમાં ૯૩ લાકો ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિગતો મુજબ રાજકોટમાં ઉતરાયણના તહેવાર લોહીયાણ બન્યો હતો.જેમાં ગળામાં દોરી ભરાતા ૬૭ થી વધુ લોકો ધાયલ થયા હતા જયારે આજીડેમ પોલીસ મથક હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં પતંગના દોરાથી ગળું કપાઈ જતાં મોતની ઘટના બની છે. જેમાં એક બાળકનું મોત થયું હતું. લોઠડા ગામે પતંગના દોરાથી ગળું કપાઇ જતાં 7 વર્ષના ઋષભ અજયભાઈ વર્માને ગળામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે જામનગર શહેરમા નવાગામ ઘેડ, ગાયત્રી ચોકમાં રહેતો ચિરાગ જેન્તીભાઈ પાણખાણીયા (ઉ.વ.૧૮) નામનો યુવાન ઉત્તરાયણના દિવસે બાજુના બંધ મકાનમાં પતંગ લેવા માટે ગયો હતો. તેમના પગથીયા જ ઉતરતી વેળાએ અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
જૂનાગઢના મેંદરડાના ખુંટ વાડીમાં રહેતો હાર્દિક પારસ સોલંકી ઉ.૧૧ નામનો બાળક પતંગ લુંટવા માટે દોડતો હતો ત્યારે અચાનક પડી જતા ગંભીર ઈજા થવાથી તેનું મોત થયાનું કેતન સોલંકીએ મેંદરડા પોલીસ મથકમાં જાહેર કર્યું છે. જેતપુરમાં મકરસંક્રાંતિના દિવસે ૧૩ જેટલા લોકો પતંગના દોરથી અને એક અગાશી પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયાં હતાં જેમાં એક કિશોર અને એક વૃદ્ધને મોટર સાયકલ ચલાવતા સમયે ગળાના ભાગે ચાઈનીઝ દોર આવતા ગળું કપાઈ જવાથી ગંભીર ઇજા પહોંચી હતી.
મોરબીમાં ઉતરાયણ નિમિતે કાતિલ દોરીથી ગળામાં ઇજા, હાથના આંગણામાં ઇજા ઝાડ ઉપરથી પતંગ ઉડાડતી વખતે પડી ગયા હોય એવા દસેક લોકોને ઇજા થઇ હોવાથી આ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કાંતિલ દોરીથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. માત્ર નાની મોટી ઇજા થઇ હોય એવા બનાવ સરકારી અને ખાનગી હોસ્પિટલમાંઆવ્યા હતા. પરંતુ હમેશાંની જેમાં આ વર્ષ પણ ઉતરાયણનો પર્વ લોહીલુહાણ બન્યો હતો.
ગોંડલ: ચાઇનીઝ દોરીથી યુવકને 17 ટાંકા આવ્યા
ગોંડલ શહેરમાં આશાપુરા ચોકડી પાસે એક યુવાન રાજકોટ કામ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ દાઢીના ભાગે ચાઈનીઝ દોરી આવી જતા દાઢીના ભાગે મોટો ચેકો પડ્યો હતો અને ગંભીર ઈજા પહોંચતા ડોક્ટરે 17 ટાંકા લીધા હતા.દોરી ને કારણે સામાન્ય ઇજા ની પણ ઘટનાઓ બની હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ખોડીયાર નગરમાં રહેતો પ્રણવ અશ્વિનભાઈ મારૂ નામનો યુવાન પોતાના કામ માટે રાજકોટ જઇ રહ્યો હતો આસપુરા ચોકડી પાસે યુવાના દાઢી ના ભાગે ચાઈનિસ દોરી ઘસાતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક યુવાન ને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યો હતો જ્યાં ડોકટરે 17 ટાંકા લીધા હતા ત્યાર બાદ યુવાન વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો