ગાંધીધામ, મેટોડા, માળીયા, મોરબી અને જામનગરમાં રાહદારીના હાથમાંથી મોબાઇલની ચીલ ઝડપ કર્યાની કબુલાત
આંતર જિલ્લા તસ્કર ગેંગના બે સાગરીતોને એલસીબી ઝોન-1ની ટીમે ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેતા બંને રીઢા તસ્કરોએ રાજકોટ, મોરબી, માળીયા, ગાંધીધામ અને જામનગરમાં રાત્રે મોબાઇલમાં વાત કરતા રાહદારીના મોબાઇલની ચીલ ઝડપ કરતા હોવાની કબુલાત આપી છે. બંને તસ્કરો પાસેથી રુા.3 લાખની કિંમતના 51 મોબાઇલ અને બે ચોરાઉ બાઇક કબ્જે કરવામાં આવ્યા છે.
રાત્રે મોબાઇલમાં વાત કરતા રાહદારીના ચોરાઉ બાઇક પર જઇ ચીલ ઝડપ કરતા બંને રીઢા તસ્કરો પાસેથી બે બાઇક અને 51 મોબાઇલ કબ્જે કરતી એલસીબી ઝોન-1ની ટીમ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંઘીગ્રામ વિસ્તારમાં નાણાવટી ચોક પાસે આરએમસીના કવાર્ટરમાં રહેતા વિક્રમ સતિષ અગ્રાવત અને રુખડીયાપરા ફાટક પાસે રહેતા નાઝીર જુસબ નગામળા નામના શખ્સો મોબાઇલની ચીલ ઝડપના ગુનામાં સંડોવાયા હોવાનું અને બંને શખ્સો ચોરાઉ બાઇક સાથે ભક્તિનગર સોસાયટીમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન-1ના પીએસઆઇ બી.વી.બોરીસાગર, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જીતુભા ઝાલા, રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બંનેને ઝડપી લીધા છે.
બંને તસ્કરોની પૂછપરછ દરમિયાન રાજકોટ, મોરબી, ગાંધીધામ, માળીયા અને જામનગરમાં રાત્રી દરમિયાન ચોરાઉ બાઇક પર જઇ મોબાઇલમાં વાત કરતા રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝુટવી લેતા હોવાની કબુલાત આપી છે. પોલીસે બંને તસ્કરો પાસેથી 51 મોબાઇલ અને બે ચોરાઉ બાઇક કબ્જે કર્યા છે.