ચૈત્ર-વૈશાખના ધોમ ધખતા તાપમા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ત્રણ દિવસ લૂ ના વાયરાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે યલ્લો એલર્ટ જારી કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ગરમી પડશે તેવી આગાહી કરી હતી. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રી સુધી પહોંચશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો અધ્ધર જ રહેશે. આગામી 48 કલાક સુધી ભારે ગરમી વરસાવ્યા બાદ થોડી રાહત થશે. જો કે, ભારે લૂ ની કોઈ શકયતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે. ગરમી અને લૂ નુકશાનકારક બની શકે છે. લોકોને તડકાથી બચવા અને સીધી લૂ લાગે તેવી ફરવાની મનાઈ કરી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી સેલ્સીયસ સુધી જવાની આગાહી કરી છે. ઉનાળામાં સામાન્ય રીતે 40 થી 45 ડિગ્રી તાપમાન રહેતું હોય છે જ્યારે તાપમાનનો પારો 45 ડિગ્રીને અડે ત્યારે પરિસ્થિતિને ગંભીર માનવામાં આવે છે. 2 દિવસના લૂ ના આ વાયરા બાદ વાતાવરણમાં પલ્ટો આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ બે દિવસ દરમિયાન છત્તીસગઢ, ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તાપમાન વધશે. 1901થી લઈ 2020 સુધીનો આ ઉનાળો સૌથી વધુ ગરમી વરસાવનો બની રહે તેવી શકયતા સેવાઈ રહી છે.
વાતાવરણમાં બે દિવસ પછી પલ્ટો આવશે
ગુજરાત સહિત દેશમાં બે દિવસના ભારે લૂ ના વાયરાની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ તાપમાનનો પારો અધ્ધર જ રહેશે. 48 કલાક બાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ભેજ અને પલ્ટો આવશે તેમ હવામાન વિભાગે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.