૫૯૩ સ્વાઈનફલુની બિમારીમાં સપડાયા: ૬૩ પુરુષ અને ૮૭ મહિલા શિકાર બન્યા: રાજકોટ શહેરના ૪૬, જિલ્લાના ૩૫ અને અન્ય જિલ્લાના ૬૯ દર્દીના રાજકોટની હોસ્પિટલમાં મોત

સર્વરોગ નાબુદી અભિયાન જાણે ચોપડા પર ચિતરાયુ હોય તેમ દર વર્ષે કોઈને કોઈ એક નવો રોગ દેખા દેતો થયો છે. છેલ્લા નવેક વર્ષથી માનવ જિંદગીને ભરખી રહેલા સ્વાઈનફલુ નામના મહામારીના રોગોએ હાહાકાર મચાવ્યો છે. આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

રાજકોટની હોસ્પિટલોમાં છેલ્લા નવ વર્ષમાં સૌરાષ્ટ્રભરના ૧૫૨૭ સ્વાઈનફલુના દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૩૨૯ દર્દીઓને સ્વાઈનફલુ નામનો મહામારીનો રોગ ભરખી ગયો છે. નવ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં સૌથી વધુ સ્વાઈનફલુના દર્દીઓના મોત નિપજયા છે. આરોગ્યતંત્રની ઢીલી કામગીરી અને દર્દી આલમમાં સ્વાઈનફલુ પ્રત્યેની જાગૃતતાના અભાવે સ્વાઈનફલુના દર્દીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં દેખા દેતો સ્વાઈનફલુએ ચાલુ વર્ષમાં ચોમાસાની સીઝનમાં દેખા દીધી છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ સ્વાઈનફલુનો કહેર યથાવત રહ્યો છે. ઠરતી રાત શિયાળાની છડી પોકારે છે. જે સ્વાઈનફલુનું સંકટ વધુ વિકટ બને છે. આરોગ્યતંત્રએ સ્વાઈનફલુ સામે ફરી સક્રિય બની કાર્યવાહી હાથ ધરવી પડશે.

વર્ષ ૨૦૦૯ થી અજગર ભરડો લઈ રહેલા સ્વાઈનફલુને નાથવા માટે આરોગ્યતંત્ર અથાત પ્રયત્ન કરી રહ્યું છે. તેમ છતાં પણ સ્વાઈનફલુ સામે તંત્ર વામણુ સાબિત થયું છે. સ્વાઈનફલુથી કાળના ખપ્પરમાં હોમાઈ રહેલી માનવજિંદગીને બચાવવા આરોગ્યતંત્ર અને અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા ટેમીફુલુ નામની દવા અને ઉકાળાનું વિતરણ કરી અથાથ પ્રયત્નો કરવામાં આવ્યો છે પરંતુ ટેમીફુલુ અને ઉકાળાને સ્વાઈનફલુ ગણકારતો ન હોય તેમ આ બધી સામાજીક પ્રવૃતિઓ વચ્ચે પણ આ રોગમાં સપડાયેલા દર્દીઓને સ્વાઈનફલુ ભરખી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન વકરી રહેલા સ્વાઈનફલુના રોગે સર્વેમાં ચિંતા પ્રસરાવી છે. શિયાળાની ઠંડીમાં સ્વાઈનફલુ વધુ પ્રસરે તેવી દહેશત વ્યકત થઈ રહી છે.

સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષમાં ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઈનફલુની બિમારીમાં સપડાયેલા કુલ ૫૯૪ દર્દીઓએ રાજકોટની હોસ્પિટલોમાં સારવાર લીધી છે. જેમાં ૧૫૦ દર્દીઓના મોત નિપજયા છે. જેમાં રાજકોટ શહેરના કુલ ૧૯૯ દર્દીઓમાંથી ૪૬ દર્દીઓના મોત અને રાજકોટ જીલ્લાના કુલ ૧૩૦ દર્દીઓમાંથી ૩૫ દર્દીઓના મોત તદઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાના કુલ ૨૬૫ દર્દીઓમાંથી ૬૯ દર્દીઓના મોત નિપજયા છે.

ચાલુ વર્ષમાં મોતના મુખમાં ધકેલાયેલા દર્દીઓને ખરેખર કઈ બિમારી હતી તે જાણવા ત્રણ નિષ્ણાંત તબીબોની પેનલે ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ સુધીમાં મોતને ભેટેલા કુલ ૧૫૦ માંથી ૧૨૫ દર્દીઓનું ડેથ ઓડીટ કર્યું હતું. ડેથ ઓડીટના તારણમાં ૧૨૫ દર્દીઓમાંથી માત્ર ૧૯ દર્દીઓના જ સ્વાઈનફલુના કારણે મોત નિપજયા છે. જયારે બાકીના ૧૦૬ વ્યકિતઓને પહેલેથી જ કોઈને કોઈ બિમારી હતી અને પછી સ્વાઈનફલુની ઝડપે ચડયા બાદ મૃત્યુ થયા હોવાનું તબીબોએ તારણ મેળવ્યું છે અન્ય રોગમાં સપડાયેલા દર્દીઓની રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાથી તેઓના સ્વાઈનફલુથી મોત નિપજયા છે.

સ્વાઈનફલુના ભોગ બનેલા ૧૨૫ દર્દીના ડેથ ઓડિટના રિપોર્ટને આધારે ૨૬ દર્દીઓના ડાયાબિટીસ, ૧૩ દર્દીઓને હૃદય-શ્ર્વાસની તકલીફ, ૧૩ દર્દીઓને હાઈપર ટેન્શન, ૧૪ દર્દીઓને સારવારમાં મોડુ થતા, ૧૨૫ દર્દીઓને ડાયાબિટીસ અને અન્ય બિમારી, ૧૪ દર્દીઓને બે થી વધુ બિમારીથી, પાંચ સગર્ભાઓ, ૬ દર્દીઓ ૫ થી ૬૫ વર્ષ સુધીના અને ૧૯ દર્દીઓના માત્ર સ્વાઈનફલુની બિમારીથી મોતને ભેટયા છે. જયારે ૮૧ દર્દીઓને જીવલેણ બિમારી હતી અને પછી સ્વાઈનફલુની ઝડપે ચડયા બાદ મોત નિપજયાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.