સેવા, આરોગ્ય, પર્યાવરણ, જળક્રાંતિ, કૃષિ અને કોઠાસૂઝના કસબીઓનું કરાયું અદકેરૂં ‘બહુમાન’
સર્વોદય સ્કૂલના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાનાં વિચાર મુજબ સમાજમાં શ્રેષ્ઠ વિચારો થકી રાષ્ટ્રનિર્માણનું કાર્ય કરી શકાયએ હેતુથી ‘સર્વોદય સંવાદ’ સામયિક દસ વર્ષથી અવિરત બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થી, વાલી તેમજ શિક્ષણ સાથે જોડાયેલા સહુ કોઈ માટે સાત્વિક અને શ્રેષ્ઠ વાંચન પુરુ પાડીને સર્વોદય સંવાદ સાર્થક રીતે સેતુ બની શકયું છે. દસ વર્ષની ઉજવણી સર્વોદય સંવાદ દશાબ્દિ મહોત્સવનાં નામથી રાષ્ટ્રીય, સામાજિક, પર્યાવરણ તેમજ વિદ્યાર્થીલક્ષી કાર્ય કરીને દશ પ્રકલ્પ સાથે શ્રેષ્ઠ રીતે ઉજવવામાં આવ્યા.
‘સર્વોદય સંવાદ દશાબ્દિ મહોત્સવ-ર0રર’ના દસ કાર્યક્રમનું સમાપન ‘પ્રકલ્પ સંપન્ન’ કાર્યક્રમમાં શિક્ષણ, સેવા, આરોગ્ય, પર્યાવરણ, જળક્રાંતિ-કૃષિ તેમજ કોઠાસૂઝ થકી સમાજને ઉપયોગી થનાર શ્રેષ્ઠીઓનું સન્માન તેમજ સંસ્થાપક ભરતભાઇ ગાજીપરાનું વિચાર પુસ્તક ‘મારા વિચાર, મારી પ્રેરણા’ તથા માતા-પિતા માટે પ્રેરણારૂપ આચાર્યા ગીતાબહેન ગાજીપરાનું પુસ્તક ‘ઉત્તમ વાલી સર્વોત્તમ સંતાન’ અને અમૃત મહોત્સવનાં ઉજવણીનાં વર્ષમાં સર્વોદય સંવાદ વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું.ગુજરાત રાજ્ય પ્રદેશ ઉપાધ્યાક્ષ ભાજપ, સમાજશ્રેષ્ઠી ડો.ભરતભાઇ બોઘરાએ ઉપસ્થિત રહી ભરતભાઈ ગાજીપરા તથા ગીતાબહેન ગાજીપરાનાં વિચાર પુસ્તક તેમજ સર્વોદય સંવાદ વિશેષાંકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભરતભાઈ ગાજીપરા તેમના વિચારથકી શાળામાં રાષ્ટ્રભાવ, પ્રકૃતિભાવ તેમજ વિદ્યાર્થીઓના વિકાસ સાથે શૈક્ષણિક જગતમાં જે રીતે કામ કર્યું છે તે માટે તેમના વૈચારિક ક્રાંતિને વંદન કરૂં છું તથા વધુમાં તેમણે સર્વોદય સંવાદ દશાબ્દિ મહોત્સવની ઉજવણી સમાજ ઉપયોગી દશ કાર્યના પ્રકલ્પ માટે આનંદ વ્યકત કર્યો હતો. સાથે જ સર્વોદય સંવાદની યાત્રાને શુભકામનાઓ પાઠવી હતી.
સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં શૂન્યમાંથી સર્જન કરી સમાજ ઉપયોગી કાર્ય કરનાર સન્માનિત શ્રેષ્ઠીઓના કાર્યને બિરદાવ્યું હતું. કેળવણીકાર ગિજુભાઈ ભરાડ, જળક્રાંતિ ટ્રસ્ટનાં મનસુખભાઈ સુવાગિયા, ગ્રીન મેન તરીકે ઓળખાતા સદ્ભાવના ટ્રસ્ટનાં પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ગરીબ લોકોનાં સેવાર્થે પંચનાથ હોસ્પિટલનાં પ્રણેતા દેવાંગભાઇ માંકડ, ટિસ્યુ વૈજ્ઞાનિક ડો.રસિકભાઇ ઇટાલિયા, માટીને વિશ્ર્વફલક પ્રખ્યાત કરનાર મનસુખભાઇ પ્રજાપતિ જેવા સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
એકેડેમિક હેડ કમલેશભાઇ ત્રિવેદીએ દશ વર્ષની ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમાજ ઉપયોગી થવાનું જણાવ્યું હતું. કટાર લેખક જય વસાવડાનું ‘સંવાદમાં જીવન અને જીવનમાં સંવાદ’એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આભારવિધી ટ્રસ્ટી ગૌરવભાઇ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજશ્રેષ્ઠી ડો.ભરતભાઇ બોઘરા, ઘનશ્યામભાઇ હેરભા, બી.એસ .કૈલાસ, રાજ બેંકના સી.ઇ.ઓ. કમલભાઇ ધામી, અમૃતભાઇ ગઢીયા, જતીનભાાઇ ભરાડ, ડી.વી.મહેતા વગેરે જેવા મહાનુભા વોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.