કચેરીમાં ઘૂસી કર્મચારી પાછળ ધારિયું લઈ મારવા દોડ્યો : ધરપકડ
રાજકોટ નજીકના સરધાર ગામમાં આવેલી પીજીવીસીએલ કચેરીમાં ઉમરાળી ગામ ના શખ્સો સાથે ધસી આવ્યા હતા અને ત્યાંના કર્મચારી જુનીયર એન્જિનિયર પાછળ પાવર કેમ બંધ કર્યો તેમ કહી ધારીયું લઇ દોડયા હતા. જે અંગે આજી ડેમ પોલીસ બંને શખસો વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જુનિયર એન્જિનિયરે નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે બપોરના સમયે તેઓ કચેરીમાં બેઠા હતા. તે સમયે ઘનશ્યામ મેતા ધારિયું લઇ કચેરીમાં ધસી આવ્યો હતો. અને અમારો પાવર કેમ બંધ કર્યો તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. જેથી હોડથલી ગામે માતાજીનો માંડવો હોવાથી ઉમરાળી ગામનો થ્રી ફેઝ પાવર ચેન્જ કર્યો હોવાનું ઘનશ્યામ મેતાને જણાવ્યું હતું.આ વાત કરતાની સાથે ઘનશ્યામ મેતા વધુ ઉશ્કેરાય ગયો હતો અને ફરી ગાળો ભાંડવા લાગી ધારિયાથી હુમલો કરવા સજ્જ થયો હતો. જેથી પોતે કચેરીમાંથી બહાર આવતા તે ધારિયા સાથે પોતાની પાછળ મારવા માટે દોડ્યો હતો અને આજ તો પૂરો કરી નાંખવો છેની બૂમો પાડતો હતો.
આ સમયે સહકર્મચારી એ.આર.ગોહિલ વચ્ચે આવતા ઘનશ્યામ મેતાએ તેમને પણ તમાચા ઝીંકી ફરજમાં રુકાવટ કરી હતી. આજી ડેમ પોલીસે ગુનો નોંધી ઉમરાળી ગામના ઘનશ્યામ મેતાની ધરપકડ કરી છે.