૧૪ રૂટના નાઈટ હોલ્ટ કરી એસટી નિગમને ખોટના ખાડામાં ઉતારવાનો મનઘડત નિર્ણય
મોરબી એસટી તંત્રના અણધણ વહીવટ થી મુસાફરોને તો ઠીક પણ એસટીના સ્ટાફને પણ મુશ્કેલી પડી રહી છે.તંત્રએ ૧૪ રૂટના નાઈટ હોલ્ટ રદ કરી દેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એસટીના અધિકારીઓ આવા મનસ્વી નિર્ણયો લઈને મુસાફરોની સુવિધામાં તરાપ મારીને ખોટના ખાડામાં એસટી નિગમને ઉતારી રહ્યા હોય તેવો આક્ષેપ થયો છે.
જસાપર ગામના સામાજિક કાર્યકર જસાભાઈએ જણાવ્યું કે એસટી તંત્રએ થોડા સમય અગાઉ તઘલખી નિર્ણય લઈને ૧૪ ગ્રામ્ય રૂટનો નાઈટ હોલ્ટ રદ કરી નાખ્યો છે. એસટી તંત્રએ આ રૂટમાંથી આવક ન થતી હોવાનું બહાનુ ધરીને નાઈટ હોલ્ટ બંધ કરી દીધો છે. અગાઉ ગામડાના રૂટની બસો રાતે જે તે ગામમાં રોકાતી હતી. જેથી મોરબી કામ સબબ આવતા લોકોને સાંજે પોતાના ઘરે જવામાં સરળતા રહેતી હતી. ઉપરાંત સવારે આ જ બસમાં વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા લોકો આ બસમાં મોરબી આવતા હતા.
વધૂમાં જણાવ્યું કે નાઈટ હોલ્ટ રદ કરાતા આ બસ ગ્રામ્ય લોકો માટે કોઈ કામની રહી નથી. એસટી તંત્રના અધિકારીઓ મનઘડત નિર્ણયો લઈને એસટી તંત્રને ખોટના ખાડામાં ધકેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.એસટીના આ અંધેર વહિવટથી મુસાફરો તો ઠીક પણ સ્ટાફ ખુદ પરેશાન છે. ડ્રાઇવરની બદલી માટે કોઈ જાતના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. દબાણના કારણે સિનિયરોટી જળવ્યા વગર બદલીઓ કરવામાં આવે છે. આ બાબતે યોગ્ય નહિ થાય તો જલદ પગલાં લેવામાં આવશે.