હિતેશ રાવલ, સાબરકાંઠા:
જાહેર રોડ-રસ્તાઓ પર લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહનો પાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે. જેનાથી ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે. જે લોકોના સ્વાસ્થ અને જાહેર માર્ગ સલામતિને ભયરૂપ હોય માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે સાબરકાંઠામાં આ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે.
આમ જનતાની સલામતીના હેતુસર જિલ્લા કલેક્ટર હિતેષ કોયા દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર માર્ગો, ફૂટપાથ ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત વિસ્તાર રિલાયન્સ માર્ટ સામે, બેરણા રોડ, હિંમતનગર, જૂની જિલ્લા પંચાયતની આગળ રેલવે ફાટક સામે, દુર્ગા કોમ્પ્લેક્સવાળા રેલવે ફાટક પાસે, સી.સી શેઠના પેટ્રોલ પંપ સામે ગળનાળા ઉપર, જેપી મોલ સામે મહાકાલી -ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક પાસે, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસે, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઇ રોડ આ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખી શકાશે નહીં.
આ હુકમ તાત્કાાલિક અસરથી તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યપકિત ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.