સામસામે ધોકા, પાઇપ જેવા હથિયારો વડે બે જૂથ વચ્ચે અથડામણ: 18 સામે નોંધાતો ગુનો
શહેરમાં રૈયાગામ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા મહિલા સહિત આઠ લોકો ઘવાયા છે. પરિણીતા સાથે આડા સબંધ રાખવા મામલે બે જૂથ એકબીજા પર હથિયાર વડે તૂટી પડ્યા હતા. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી એક મહિલા સહિત 18 શખ્સો સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ગામમાં બાબા સાહેબના પૂતળા પાસે રહેતા અને મજૂરી કામ કરતા સાગર ગોવિંદભાઈ જખાનીયા નામના 23 વર્ષીય યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ હનુમાનમઢી પાસે રહેતો પિતરાઈ ભાઈ અર્જુન ભીખા અધરિયા તેના ઘરે આવીને ફરિયાદીની પત્નીને પોતાની સાથે આડાસંબંધ રાખવા મામલે ગાળો દેતા સાગરે ગાળો બોલવાની ના પાડતાં જોષનાબેન બાબુ, અર્જુન ભીખા, મુકેશ ભીખા, રાજુ ભીખા, હરજી ભના, બાબુ ભના, ગોપાલ બાબુ અને નવઘણ બાબુએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં ફરિયાદી સાગર, તેની પત્ની જોષના બેન, ગોવિંદભાઈ સહિત ચાર લોકો ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો સામાપક્ષે હનુમાન મઢી પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા અર્જુન ભીખાભાઈ અધરીયા નામના 25 વર્ષીય યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ પોતે રૈયા ગામમાં તેના પિતરાઈ ભાઈ સાગરના ઘરે ગયો ત્યારે તેની પત્ની જોષના બેનને પોતાની સાથે આડાસંબંધ રાખવા બાબતે બોલાચાલી કરી પરિણીતાને ફરિયાદીએ વાળ પકડી નીચે પડી દીધી હતી.જેથી ઉશ્કેરાયેલા સાગર ગોવિંદ, વિરમ પોપટ, ગોવિંદ પોપટ, ધરમશી પોપટ, ધીરુ પોપટ, રમેશ પોપટ, ધના પોપટ, હરસુખ ગોવિંદ, હરસુખ ગોવિંદ, બાબર ગોવિંદ અને શીવા વિરમ નામના શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારતા અર્જુન તથા તેના ભાઈ ગોપાલ, પિતા ભીખાભાઈ અને માતા જોષના બેનને ઈજાઓ થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદર સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી પોલીસે 18 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.