સીયારામમય સબ જગજાની, કરહુ પ્રણામ જોરી જુગપાની
સમસ્ત દુનિયામાં ફેલાયેલા વિશ્ર્વ હિન્દુ પરિષદના નેજા તળે રામનવમીએ ભગવાન શ્રીરામની દેશના અનેક નાના-મોટા શહેરોમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળે છે ત્યારે રામજીની પાલખીયાત્રા એકમાત્ર રાજકોટ શહેરમાં જ ફરે છે: શોભાયાત્રામાં વિહિપ વાલ્મિકી સમાજને સાથે રાખી શહેરીજનોને રામમય બનાવે છે શહેરમાં શરૂઆતમાં નીકળતી નાની શોભાયાત્રા પ્રતિ વર્ષ ઉત્સવપ્રેમીઓ થકી વિશાળ બનતી જાય છે
સંસ્કૃત ભાષામાં રામાયણ અને મહાભારત પ્રાચીન કાવ્ય છે. રામાયણ એટલે શ્રીરામચંદ્રજીનું જીવનચરિત્ર. રામજી મર્યાદા પુરુષોતમ અને સર્વસદગુણોના ભંડાર છે. શ્રીરામ પરમાત્મા હોવા છતાં ધર્મનું, મર્યાદાઓનું ખુબ જ પાલન કરે છે. શ્રીરામચંદ્રજીનો અવતાર રાક્ષસોનો સંહાર માટે નહોતો થયો પરંતુ મનુષ્યની ઉચ્ચ આદર્શ બતાવવા થયો હતો. ભગવાન શ્રીરામનું મનુષ્યને આદર્શ, માનવધર્મ સમજાવવા પૃથ્વી પર અવતરણ થયું હતું એવા ભગવાન શ્રીરામનો પ્રાગટયોત્સવ એટલે કે રામનવમી આગામી રવિવારે આવી રહી છે ત્યારે દેશભરમાં રામનવમીની વિશેષ ઉજવણી થશે. રામનવમીએ ખાસ કરીને રામમંદિરોમાં રામજીનો જન્મોત્સવ, મહાઆરતી, ભજન-સત્સંગ, શોભાયાત્રાનાં કાર્યક્રમો યોજાતા હોય છે.
દેશભરમાં રામનવમીએ નિકળતી શોભાયાત્રાનું ભાવિકોમાં વિશેષ મહત્વ છે. રાજસ્થાનમાં રામનવમીની સૌથી મોટી શોભાયાત્રા ફરે છે. જેમાં આશરે ૧૫૦થી વધુ ફલોટસ રામભકતોને સામાજીક સંદેશો પુરો પાડે છે. આપણે રાજકોટની વાત કરીએ ત્યારે દેશભરમાંથી એકમાત્ર રાજકોટ નગરીમાં રામનવમીએ રામજીની પાલખીયાત્રા નિકળે છે. સમસ્ત દુનિયામાં ફેલાયેલા વિશ્ર્વ હિન્દુ પરીષદના નેજા તળે આ પાલખીયાત્રા શહેરીજનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત વિશ્ર્વ હિન્દુ પરીષદ કે જે એકમાત્ર રાજકોટમાં રામાયણના કર્તા એવા ઋષિ વાલ્મિકીના વંશજો વાલ્મિકી સમાજને સાથે રાખી શહેરીજનોને શોભાયાત્રા થકી રામમય બનાવે છે. શહેરમાં રામજીની ભવ્ય પાલખીયાત્રા સાથે-સાથે સામાજીક સંદેશો આપતા અને આર્દશ જીવન જીવવાની પ્રેરણા પુરી પાડતા ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિહિપ પ્રેરિત આશરે દસેક વર્ષથી નિકળતી આ શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના દરેક ધર્મપ્રેમીઓ તેમજ ખાસ મહિલાઓ પણ જોડાઈ રામભકિતમાં લીન બને છે.
રાજકોટ વિહિપના નિતીશભાઈએ વધુમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરમાં જ માત્ર વાલ્મિકી સમાજને આગળ રાખી શોભાયાત્રા નિકળે છે. સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે. આ વર્ષે શહેરના ૧૪ વિસ્તારમાં વાલ્મિકી સમાજના આગેવાનો શોભાયાત્રામાં જોડાઈ તન, મન, ધનથી સેવા આપશે.