દુબઇ ફરવા જવા માસીયાઇ ભાઇના પાસપોર્ટ વેરિફીકેશન કરવા રૂા.10 હજારની લાંચ લીધાની ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવતા ગુનો નોંધાયો
શહેરના મિલપરામાં આવેલા ગુરૂમઢી એપાર્ટમેન્ટના સોની વેપારીને પાસપોર્ટની વેરિફીકેશન ઝડપથી કરી આપવાના બદલે રૂા.10 હજારની લાંચ સ્વીકારતા પાસપોર્ટ વિભાગના હેડ કોન્સ્ટેબલ અને વચેટીયા સામે થયેલા આક્ષેપની તપાસના અંતે પુરાવા મળી આવતા બંને સામે લાંચ લીધા અંગેનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મિલપરા મેઇન રોડ પર આવેલા ગુરૂમઢી એપાર્ટમેન્ટમાં રહેતા સંદિપ ભરતભાઇ રામપરા પાસેથી ગત તા 5 મેના રોજ પોલીસ કમિશનર કચેરીમાં આવેલા પાસપોર્ટ વિભાગના હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ શાંતિલાલ પેંગ્યાતર અને પાસપોર્ટ ક્ધસલ્ટન ચંદ્રશેખર ગોવિંદરાવ કરાદિંકરે રૂા.10 હજારની લાંચ લીધા અંગેના થયેલા આક્ષેપ અંગે ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડી.વી.બસીયાને તપાસ સોપવામાં આવી હતી.
બંને સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થયેલી પૂછપરછ અને તપાસ દરમિયાન મોબાઇલ રેકોર્ડીંગ અને વીડિયો ફુટેજ મળી આવ્યા હતા. પાસપોર્ટ વેરિફીકેશનની કામગીરી એ ડિવિઝન પોલીસ દ્વારા સમયસર પૂર્ણ કરી આપવામાં આવી હતી પરંતુ પાસપોર્ટ વિભાગના હેડ કોન્સ્ટેબલ મયુરભાઇએ બ્રિજેશના પાસપોર્ટ અંગે વાંધા વચકા કાઢી પાસપોર્ટ કાઢી આપવાની કામગીરી અઘરી છે.
તેમ કહી રૂા.10 હજારની લાંચ માગી હોવાના પુરાવા મળી આવતા બંને સામે સંદિપભાઇ ભરતભાઇ રાણપરાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસમાં લાંચ અંનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એસીપી પી.કે.દીયોરાએ તપાસ હાથધરી છે.