આગામી સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે બેઠકના ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા. કલેકટર અરૂણ મહેશ બાબુએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ  કોવિડ પ્રોટોકોલના પાલન સાથે દેશભક્તિસભર ઉજવણી કરવા માટે ઉપસ્થિત સૌ સરકારી વિભાગોના અધિકારીઓએ આગોતરૂં આયોજન કરવાનું રહેશે.

સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યક્તિવિશેષોનું સન્માન, વૃક્ષારોપણ, દેશભક્તિની ભાવના રજૂ કરતા ગીતો અને નૃત્યો, યોગ નિદર્શન વગેરે બાબતોનો સમાવેશ થાય તે જોવા તેમણે ઉપસ્થિતોને સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે અવિરત વીજપુરવઠો જાળવવા, પીવાના પાણીની અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવા,  સુચારૂ બેઠક વ્યવસ્થા ગોઠવવા, વરસાદની સંભવિત પરિસ્થિતિનું ધ્યાન રાખવા વગેરે અંગે પણ કલેકટરે જરૂરી સૂચનો કર્યા હતા. સંભવત: 13 તારીખે યોજાનારા મિનિટ ટુ મિનિટ રીહર્સલ કાર્યક્રમમાં સંબંધિત સૌ અધિકારીઓને અચૂક ઉપસ્થિત રહેવા તેમણે તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલિસ અધિક્ષક બલરામ મીના, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, સિધ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઇ, જિલ્લા આયોન અધિકારી નીતિન ટોપરાણી, રમત ગમત અધિકારી પાંડાવદરા અને જાડેજા, જિલ્લા  શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, પ્રાંત અધિકારીઓ અને બધા તાલુકાઓના મામલતદારો, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.