કોર્પોરેશન દ્વારા શહેરના રેસકોર્સ સંકુલ, માસ્તર સોસાયટી અને સંતોષીનગરમાં ફક્ત મહિલાઓ માટે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ અને કુવાડવા રોડને ટચ 80 ફૂટ રોડ પર હવે શહેરના ચોથા એવા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે કે જ્યાં ફક્ત મહિલાઓને જ પ્રવેશ મળશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વોર્ડ નં.4માં મહિલા ગાર્ડન અને જનરલ ગાર્ડન બનાવવા માટે રૂા.64 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
રેસકોર્સ, માસ્તર સોસાયટી અને સંતોષીનગર બાદ હવે સામાકાંઠે બનશે
80 ફૂટ રોડ પર મહિલાઓ માટે અને જનરલ ગાર્ડન બનાવવા માટે રૂા.64 લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.13ના ફાઈનલ પ્લોટ નં.જી-1માં ગાર્ડન હેતુના પ્લોટમાં બગીચો બનાવવા અને તેના ત્રણ વર્ષ સુધી નિભાવ કરવા માટે 64 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ 5.49 ટકા ઓન સાથે જય ક્ધટ્રકશન નામની એજન્સીને આપવામાં આવ્યો છે. જેમાં 3200 ચો.મી. વિસ્તારમાં મહિલાઓ માટે ગાર્ડન બનાવવામાં આવશે. જેમાં લેન્ડસ્ક્રેપ ગાર્ડન, મેડિટેશન એરીયા, ફીઝીકલ ફીટનેશન એરીયા અને લોનબેઈઝડની સુવિધા હશે જ્યારે જનરલ ગાર્ડનમાં લેન્ડસ્ક્રેપ ગાર્ડન, મેડિટેશન એરીયા, ફીઝીકલ ફીટનેશ એરીયા અને લોન ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા પણ રાખવામાં આવશે. શહેરનો આ ચોથો એવો ગાર્ડન હશે કે જેમાં માત્રને માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવશે.
ફલાવર-શોના ખર્ચ મંજૂરીની દરખાસ્ત દોઢ વર્ષે આવી !
વર્ષ 2020માં રાજ્ય સરકાર દ્વારા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી હતી અને તેમાં મહાપાલિકા દ્વારા ફલોવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ કાર્યક્રમના ખર્ચ મંજૂરીની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ 4 થી 6 મહિનામાં આવી જતી હોય છે પરંતુ આશ્ર્ચર્યજનક રીતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં યોજવામાં આવેલા ફલોવર શોમાં કરવામાં આવેલા જુદા જુદા કામના ખર્ચ મંજૂરીની દરખાસ્ત દોઢ વર્ષે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમીટીએ પણ આંખો બંધ કરી રૂા.30.33 લાખનો ખર્ચ મંજૂર કરી દીધો હતો.