પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પુત્રએ પિતાને હથોડીના ઘા ઝીંકી પતાવી દીધા
મહિલા મારકૂટ થયાની ફરિયાદ તાલુકા પોલીસે કરવા ગયા ત્યાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા
રાજકોટમાં મોટામવા ગામમાં ફુલવાડી પાર્ક શેરી નં-3 નજીક રહેતા વૃદ્ધે તેની પત્ની સાથે ઝઘડો કરી મારકુટ કરતા હતા જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ તેના વૃદ્ધ પિતાને માથામાં હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે આ બનાવ મામલે રાજકોટ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોટામવા ગામમાં ફુલવાડી પાર્ક શેરી નં-3 નજીક રહેતા નાથાભાઈ ડાયાભાઈ પરમાર નામના વૃદ્ધની તેના જ કપાતર પુત્ર ધર્મેશ પરમારે હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં તાલુકા પોલીસે ધર્મેશ વિરૂદ્ધ હત્યાની કલમનો ગુનો નોધી તેની ધરપકડ કરી છે.જ્યારે પોલીસ માંથી મળતી વિગતો અનુસાર હત્યાનો ભોગ બનનાર નાથાભાઈ છેલ્લા ઘણાં સમયથી કોઈ કામ ધંધો કરતા નહી. પત્ની મણીબેન સરકારી સ્કુલમાં સાફસફાઈનું કામ કરતા હતા. એકલૌતો પુત્ર ધર્મેશ અગાઉ મોલમાં નોકરી કરતો હતો. તેણે ઘણાં સમયથી નોકરી મુકી દીધી હતી. અને ઘરે અભ્યાસ કરતો હતો.છેલ્લા કેટલાક સમયથી નાથાભાઈ બિમાર હતા. પરંતુ દવા પિતા ન હતા. ગઈકાલે પત્ની મણીબેને દવા પીવાનું કહેતા તેની સાથે ઝઘડો કર્યો હતો. વધુ માથાકુટ ન થાય તે માટે મણીબેન મોટામવા સ્મશાન પાસે બેસવા જતા રહ્યા હતા. સાંજે ઘરે આવી જમવાનું બનાવ્યું હતું. પતિ અને પુત્ર સાથે જમ્યા બાદ રાત્રે દસેક વાગ્યે સુઈ ગયા હતા.
આજે સવારે જાગ્યા ત્યારે પતિ નાથાભાઈએ ઘરકામ બાબતે ઝઘડો કરી બે ત્રણ તમાચા પણ ઝીંકી દેતા પુત્ર ધર્મેશ ઉંઘમાંથી જાગી ગયો હતો. મણીબેન પતિના વધુ મારથી બચવા તેમના બહેન ભાનુબેન પ્રવિણભાઈ રાઠોડના ઘરે બેસવા જતા રહ્યા હતા. થોડીવાર બાદ ત્યા પુત્ર ધર્મેશ સાયકલ લઈ તેડવા આવ્યો હતો. પરંતુ મણીબેને થોડીવાર પરત આવ્યા ન હતા.ત્યારબાદ ઘરે જવામાં ડર લાગતા સીધા તાલુકા પોલીસ મથકે પતિ હેરાન કરતો હોવાની જાણ કરવા પહોંચ્યા હતા. જયાં પોલીસને પોતાની આપવિતી જણાવી હતી. પરીણામે પોલીસે તેના પુત્ર ધર્મેશને કોલ કરી તેના પિતાને પોલીસ સ્ટેશને લઈ આવવા કહ્યું હતું.
પરંતુ થોડીવાર બાદ ધર્મેશ એકલો સાયકલ લઈ આવી આપણે નથી કરવી તેમ કહી માતાને લઈ ઘરે પહોંચ્યો હતો.ઘરે જઈ મણીબેને જોતા પતિ નાથાભાઈ અંદરના રૃમમાં લોહીલૂહાણ હાલતમાં પડયા હતા. માથામાંથી ખુબ જ લોહી નિકળતું હતું. આ વખતે પુત્ર ધર્મેશને આ શું કર્યું તે બાબતે પુછતા તેણે કહ્યું કે પપ્પાએ તમારી સાથે સવારે માથાકુટ કર્યા બાદ મારી સાથે પણ માથાકુટ કરી મારકુટ શરૃ કરતા ઉશ્કેરાઈ જઈ રૃમમાં પડેલી હથોડીના ત્રણ ચાર ઘા માથામાં ઝીંકી દીધા છે. જેને કારણે પપ્પા લોહિલૂહાણ હાલતમાં નીચે પડી ગયા છે.આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.આર.પટેલ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આરોપી ધર્મેશને સકંજામાં લઈ તેની માતાની ફરિયાદ પરથી તેના વિરૃધ્ધ ખુનનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.