રાજકોટ શહેરનાં નાના મવા રોડ પર આવેલા મેઘમાયાનગરમાં રહેતા વૃધ્ધ દંપતિએ બિમારીથી કંટાળી સજોડે ઝેરી દવા પી લેતા બંનેના મોત નિપજતા પરિવારમા શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નાનામવા મેઈનરોડ પર આવેલ મેઘમાયાનગરમાં રહેતા સાજણભાઈ રાણાભાઈ વાઘેલા નામના ૭૦ વર્ષિય વૃધ્ધ અને તેમના પત્ની લીલાબેન સાજણભાઈ વાઘેલા નામના ૬૫ વર્ષિયએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન પ્રથમ લીલાબેન અને બાદ સાજણભાઈએ દમ તોડયો હતો.
આ બનાવની જાણ માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફને થતા પીએસઆઈ પી.એસ.ધામા અને રાઈટર હરૂભા દોડી ગયા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સાજણભાઈ વાઘેલા સાત વર્ષથી અને તેના પત્ની લીલાબેન બે વર્ષથી માનસીક બિમાર હોવાથી બંનેની દવા કરવા છતા સારૂ ન થતા બંનેએ ઝેરી દવા પી આ પગલુ ભરી લીધાનું અને મૃતક સાજણભાઈને સંતાનમા બે પુત્ર છે. જેમાં એક પુત્ર કચ્છ ખાતે રહે છે. અને બીજા પુત્ર સાથે રહેતા હતા પોલીસે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.નાનામૌવા રોડ પર આવેલા મેઘમાયા નગરમાં વુધ્ધ દંપતિએ સજોડે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે