કેટરર્સનું કામ કરતી મહિલા રાત્રીના મોડી આવતા ઝઘડો કરી આગ લગાવી: ઘર વખરી બળીને ખાક
શહેરના ઢેબર કોલોનીમાં રહેતી અને કેટરર્સનું કામકાજ કરતી મહિલાના ભાડાના મકાનમાં તેના પૂર્વ પતિએ રાત્રીના મોડા આવતા ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી દેતા ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. મહિલાએ ભક્તિનગર પોલીસમાં જાણ કરતા પોલીસે મહિલાના પૂર્વ પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઢેબર કોલોની ક્વાર્ટરમાં રહેતી રેહાનાબેન મહમદભાઈ શેખ નામની 29 વર્ષીય ત્યક્તાએ તેના પોપટપરા-13માં રહેતા પૂર્વ પતિ પિન્ટુ રમેશ ઉકેડિયા સામે મકાનમા આગ ચાંપી નુકસાની કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં રેહાનાની ફરિયાદ મુજબ, તેને પરિવારની મરજી વિરુદ્ધ નવ વર્ષ પહેલા પિન્ટુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. દરમિયાન પતિ પિન્ટુ સાથે મનમેળ નહિ થતા ત્રણ વર્ષ પહેલા રાજીખુશીથી છૂટાછેડા લીધા હતા. પુત્ર પતિ સાથે રહ્યો હોય પોતે ભાડાના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવવા કેટરિંગનું કામ કરે છે. આઠ દિવસ પહેલા પિન્ટુ ઘરે આવી મને તારી સાથે રહેવા દઇશ તો હું તને પુત્રને મળવા દેવાની વાત કરી હતી.
પુત્રને મળવાની ઇચ્છાથી ત્યકતાએ પોતાના પૂર્વ પતિ પિન્ટુને સાથે રહેવા માટે હા પાડી હતી. ત્યારે ત્યકતાને સોમવારે કેટરિંગના કામે આખો દિવસ બહાર રહેવું પડ્યું હતું. બાદમાં મંગળવારે પિન્ટુ ઘરે આવી રાતના તું ક્યા ગઇ હતી તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી પિન્ટુને ઘરેથી જતા રહેવાનું કહી પોતે ઘર બંધ કરી સહેલીના ઘરે જતી રહી હતી. બપોરે મકાનમાલિકે ફોન કરી તમારા ઘરની બારીમાંથી પિન્ટુએ દીવાસળી ચાંપી ઘરમાં આગ લગાડી હોવાની વાત કરી હતી. જેથી ઘરમાં રહેલી તમામ ચીજવસ્તુઓ ખાખ થઇ જતા રૂ.30 હજારનું નુકસાન થયું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.