” રિક્ષા ગેંગ બાદ ઈકો ગેંગ સક્રિય “
પ્ર.નગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી બીજા ગુના અંગે પૂછતાછ હાથધરી
રાજકોટમાં ઘણા સમયથી રિક્ષા ગેંગ દ્વારા ઊલટીનું નાટક કરી મુસાફરના ખિસ્સા હળવા કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં હતાં. જેમાં ફરિયાદ થતા પોલીસ દ્વારા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે રિક્ષા ગેંગની સ્ટાઇલથી ઇકો કાર ગેંગ સક્રિય થઇ હોવાના બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં જામનગર રહેતા અને રાજકોટ રેલવે સ્ટેશન પર પાર્સલની ઓફિસમાં પ્યૂન તરીકે નોકરી કરતા પ્રૌઢે ઇકોમાં જતા હતા ત્યારે બે શખ્સોએ ઉલટી નું નાટક કરી તેની પાસેના રૂ.૭૫ હજાર સેરવી લીધા હતા.જેમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આ ગેંગના બે શખ્સોની ધરપકડ કરી છે.
વિગતો મુજબ જામનગર રહેતા અને રાજકોટ રેલવે સ્ટેશન પર પાર્સલની ઓફિસમાં પ્યૂન તરીકે નોકરી કરતા અશોકભાઇ નટવરલાલ રાવલ નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.21ના રોજ નોકરીના કામે જામનગરથી ઓખા અને ઓખાથી પરત પાર્સલો લઇ રાજકોટ આવ્યા હતા.સાંજે પાર્સલો જમા કરાવી પોતે જામનગર જવા માટે જામટાવર ચોક પાસે ઊભા હતા. ત્યારે એક ઇકો કાર આવી હતી. જેમાં ચાલક સહિત બે શખ્સ બેઠેલા હતા. પોતે જામનગર જવા માટે કારની પાછળ બેઠેલા અન્ય શખ્સની બાજુમાં બેસી ગયા હતા. ત્યારે કાર થોડે આગળ જતા બાજુમાં બેઠેલા શખ્સ ઊલટી થતી હોવાની વાત કરી હતી.
મારા મિત્રની તબિયત ખરાબ છે તેમ કહી પોતાને સાંઢિયા પુલથી આગળ ભાડું લીધા વગર ઉતારી દીધા હતા. ત્યાર બાદ પોતાના ખિસ્સામાં રાખેલા રોકડા રૂ.75 હજાર ચેક કરતા તે ગાયબ હતા. બનાવ બાદ પોતે જામનગર ઘરે પહોંચ્યા હતા. ભાણેજના લગ્ન હોવાથી ઓફિસના જ સાહેબ પાસેથી 75 હજારની રોકડ ઉછીની લીધી હતી.હાલ પોલીસે બંને શખ્સની ધરપકડ કરી તેઓ દ્વારા અન્ય ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથધરી છે.