ત્રણ દિવસમાં ડ્રાઇવરને માર માર્યાની બીજી ઘટના: ત્રણ હજારની લુટ કર્યાનો પણ આક્ષેપ

અબતક,રાજકોટ

રાજકોટમાં મોચી બજાર નજીક સુરત દ્વારકા રૂટની બસને પાંચ શખ્સોએ રોકી ડ્રાઇવર સાથે ઝઘડો કરી તેને માર માર્યાની ઘટના સામે આવી છે. લૂખા તત્વોએ મારમારી અને લુટ પણ ચલાવ્યાનું સામે આવ્યું છે.ઉલેખનીય છે કે ત્રણ દિવસમાં એસટીના ડ્રાયવરને મરમાર્યની બીજી ઘટના સામે આવી છે.પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગતો મુજબ મૂળ પોરબંદરના બળેજ ગામના કમલભાઇ પાલાભાઇ ઉલવા નામના એસ.ટી.બસના ચાલકે પોલીસને જણાવેલી વિગત અનુસાર, તે સુરત-દ્વારકા રૂટની બસ લઇ ગઇકાલે રાજકોટ પહોંચ્યા હતા.

બસ મોચીબજાર પાસે પહોંચતા બે બાઇકમાં આવેલા પાંચ શખ્સે બસને ઊભી રખાવી હતી અને પાંચ પૈકી એક શખ્સે તમે મારા બાઇકને બસ અડાડી દીધી છે, તમારે મને ખર્ચ દેવો પડશે તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો.જેથી પોતાની બસ કોઇ વાહનને અડી નથી તેવું કહેતા પાંચેય શખ્સ વધુ ઉશ્કેરાય જઇ પોતાને બસમાંથી નીચે ઉતારી માર માર્યો હતો. ત્યારે કંડક્ટર પણ દોડી આવતા તેને પણ માર માર્યો હતો. જાહેરમાં એસ.ટી.બસના ચાલકને માર મારતા અન્ય રૂટની એસ.ટી.બસ ત્યાંથી પસાર થતા તેના ચાલક પોતાની મદદે આવ્યા હતા. મારામારી સમયે પાંચ પૈકી એક શખ્સે પોતાના ખિસ્સામાં રહેલું પર્સ તફડાવી લઇ નાસી ગયા હતા. પર્સમાં રૂ.3 હજારની રોકડ હતી.

બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગઇ હતી અને ચાલકનું નિવેદન લીધું છે. અને સરાજાહેર મારામારી કરી રોકડ લૂંટી જનાર પાંચેય શખ્સને ઝડપી લેવા મોચીબજાર પાસેના સીસીટીવી કેમેરા તપાસવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ હોર્ન વગાડવાના મુદ્દે ચાલકને માર મારી લૂંટ ચલાવનાર ચારેય શખ્સને પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.