- મેલેરિયાએ દેખા દીધી: શરદી-ઉધરસના 306, ઝાડા-ઉલ્ટીના 83 અને સામાન્ય તાવના 47 કેસ નોંધાયા
છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. બેવડી સિઝનના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મેલેરિયાએ પણ દેખા દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરોની ઉત્પતિ સબબ 281 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો. આ ઉપરાંત શરદી-ઉધરસના 306, ઝાડા-ઉલ્ટીના 83 અને સામાન્ય તાવના 47 કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે એક સપ્તાહ દરમિયાન 11,168 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 888 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, વાડી, સેલર, પાર્ટી પ્લોટ, હોલ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી સહિતના બિન રહેણાંક હોય તેવા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 7 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. જ્યારે રહેણાંક વિસ્તારોમાં 274 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે.