બાલાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સફાઇ કરીને ધર્મસ્થાનો પરના સફાઇ અભિયાનનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેઓના આજે રાજકોટમાં ભરચક્ક કાર્યક્રમો છે. સવારે તેઓ સફાઈને લઈને “સંકટ મોચન” બન્યા હતા. ત્યારબાદ એક પછી એક મિટિંગોમાં તેઓએ હાજરી આપી કાર્યકર્તાઓ, અધિકારીઓ તેમજ સંઘ પરિવારને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગુજરાત ભાજપ દ્વારા આજથી ધર્મસ્થાનોમાં રાજ્યવ્યાપી મહાસફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે રાજકોટના બાલાજી મંદિરે સફાઇ કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આજે આખો દિવસ મુખ્યમંત્રીના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના સ્વચ્છતાના આદર્શ સંકલ્પોને આગળ વધારવા 2 ઓક્ટોબર 2014ના દિવસે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની દિલ્હી ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી, વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી વન-ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં ભાજપ સંગઠન અને આગેવાનો સાથે આગામી ચુંટણી અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રથમ કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિર ખાતેથી સવારે 9:15 કલાકે રાજ્ય વ્યાપી ધાર્મિક સ્થાનોમાં સાફસફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટમાં મુખ્યમંત્રી સહિત ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓએ હનુમાન મંદિરની સફાઈ કરી હતી.
મુખ્યમંત્રીએ પાંચ કલાક સુધી ભાજપના આગેવાનો સંઘના નેતા સાથે બેઠક યોજી હતી. જે સવારે 10 વાગ્યે બપોરના બે વાગ્યા સુધી ચાલી હતી. મુખ્યમંત્રીએ કુલ પાંચ બેઠક યોજવામાં આવી છે. તેમાં બે બેઠક અટલ બિહારી બાજપાયી હોલ અને ત્રણ બેઠક સર્કિટ હાઉસમાં યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌ પ્રથમ બેઠક સવારે 10 વાગ્યે પ્રથમ બેઠક અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને આગામી ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ 11:15 કલાકે બીજી બેઠક જન પ્રતિનિધિ સાથે યોજવામાં આવી હતી. જે 45 મિનીટ સુધી ચાલી હતી.
બપોરના 12:15 કલાકે સરકિટ હાઉસ ખાતે સંઘ પરિવારના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી છે. જેમાં લોકસભાની ચૂંટણીની રણનીતિ અને ટિકિટ અંગે આગેવાનો સાથે સવિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. સંઘ પરિવાર સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી તેમજ રાજકોટ શહેરના ભાજપના આગેવાનો સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
બપોરના 2:15 કલાકથી ચોથી બેઠક યોજવામાં આવી હતી. સરકીટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી 45 મિનીટ સુધી બંધ બારણે મંથન કર્યું હતું. બપોરના 3 વાગ્યે સરકિટ હાઉસ ખાતે જિલ્લાના મુખ્ય આગેવાનો તેમજ સરકારી વિભાગના અલગ અલગ વડાઓ સાથે સમાન્ય બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના પ્રોજેક્ટની સમિક્ષા કરવામાં આવી હતી.
બપોરના 4 વાગ્યે હોટલ ઈમ્પેરીયલ પેલેસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલ અને રાજ્યમંત્રી દર્શના જસદોષની ઉપસ્થિતિમાં યોજાયેલ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ મહોત્સવ અંતર્ગત ઈ-પોર્ટલ લોન્ચિંગ અને ઉદ્યોગકારોના સેમિનારમાં પણ મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. તે પછી સાંજે 5 વાગ્યે રાજકુમાર કોલેજના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે રવાના થનાર છે.