ધો.10ના 16000 વિદ્યાર્થીઓ 85 બિલ્ડીંગમાં અને ધો.12ના 7588 વિદ્યાર્થીઓ 18 બિલ્ડીંગમાં પરીક્ષા આપવા સજ્જ: તમામ તૈયારીઓ પૂર્ણ

કરણસિંહજી હાઈસ્કૂલમાં આજથી 27મી જુલાઈ સુધી કંટ્રોલરૂમ ધમધમશે: વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુંઝવણ હોય તો 0281-2226889 પર સંપર્ક કરી શકશેે

વીસીએલને સુચના, વિદ્યાર્થીઓને એસટી બસની યોગ્ય સુવિધા મળી રહે તે માટે એસટી તંત્ર પણ સજ્જ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી શરૂ થનારી ધો.10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે રાજકોટ શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને તંત્ર પણ સજ્જ છે. ત્યારે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી પરીક્ષા સમીતીની બેઠકમાં કોરોના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખી કોવિડ ગાઈડ લાઈનના ચુસ્ત પાલનની સુચના આપી છે. આજથી આ માટે કરણસિંહજી હાઈસ્કૂલમાં બોર્ડના રીપીટર વિદ્યાર્થીના પ્રશ્ર્નોને લઈ કંટ્રોલરૂમ શરૂ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ધો.10 16000 અને ધો.12ના 7588 એમ કુલ 23588 વિદ્યાર્થીઓ રીપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપશે. જે માટે રાજકોટના તમામ પરીક્ષા કેન્દ્રો પર સેનેટાઈઝર, તાવ માપવા થર્મલગનની વ્યવસ્થા કરવામાં આવી ચૂકી છે. વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોઈ મુંઝવણ કે તકલીફ હોય તો તે માટે કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ આજથી શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલરૂમ નં.0281-2226889 પર ફોન કરી શકશે. આ કંટ્રોલરૂમ આજથી શરૂ થયો છે અને આગામી તા.27મી જુલાઈ સુધી ધમધમશે.

વધુમાં પરીક્ષાના કેન્દ્રો પર લાઈટ ગુલ ન થાય તે માટે પીજીવીસીએલ અને રાજકોટ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ માટે એસટી બસની યોગ્ય વ્યવસ્થા કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં કુલ 23588 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધો.12 સામાન્ય પ્રવાહ માટે રાજકોટ જિલ્લામાં 18 બિલ્ડીંગો ફાળવવામાં આવ્યા છે અને ધો.10 વિદ્યાર્થી માટે રાજકોટ જિલ્લામાં કુલ 85 બિલ્ડીંગની ફાળવણી કરવામાં આવી છે.

થોડા દિવસ પૂર્વે જ કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે ધો.10 અને ધો.12ના રીપીટર વિદ્યાર્થીઓના પ્રશ્ર્નપત્રો અને ઉત્તરવહીઓ આવી ગઈ હતી જે સ્ટ્રોગરૂમ હાલ સીલ કરવામાં આવ્યો છે અને ત્યાં પોલીસના પણ ચૂસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સંદર્ભે ગઈકાલે જ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું હતું.

જે અંતર્ગત પરીક્ષા કેન્દ્રો આસપાસ 100 મીટરની ત્રીજીયામાં ઝેરોક્ષ દુકાનો હોય તે બંધ રાખવાની રહેશે અને 3 લોકોએ એકત્રીત થવા પર મનાઈ કરવામાં આવી છે. પરીક્ષાને લઈ હાલ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આવતીકાલથી 27મી જુલાઈ સુધી બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ધમધમાટ રહેશે જે માટે તંત્ર પણ પુરતું સજ્જ છે.

કોલેજોનું ઓફલાઈન શિક્ષણકાર્ય પરીક્ષાને કારણે આવતા અઠવાડિયેથી શરૂ થશે

તાજેતરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી અને કોલેજો ઓફલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની બાકી રહી ગયેલી ઓફલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે.

સાથે સાથે શિક્ષણ મંત્રી દ્વારા કોલેજોમાં પીજીના વર્ગો ઓફલાઈન શરૂ કરવા માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે, કોલેજોના સંચાલકોએ જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલથી બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને પગલે હાલ વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણવા બોલાવવા યોગ્ય ન હોય આવતા અઠવાડિયાથી તમામ કોલેજોમાં પીજીના ઓફલાઈન વર્ગો શરૂ થઈ જશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ કાર્ય કાલથી શરૂ

કોરોનાના કેસ હળવા થતાંની સાથે જ રાજ્યમાં હવે તબક્કાવાર ઓફલાઈન સ્કૂલો શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. થોડા દિવસ પૂર્વે જ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધો.12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે આવતીકાલથી રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલમાં ધો.12ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો શરૂ થશે .

આ માટે ‘અબતક’એ શાળા સંચાલકોનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આવતીકાલ સવારથી જ ધો.12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આતુર હોય અને ઘણા સમયથી ઓફલાઈન શિક્ષણની રાહ જોઈ રહ્યાં હોય આવતીકાલથી તબક્કાવાર ધો.12ના વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે. આ માટે કોવિડ ગાઈડ લાઈનને અનુસરીને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે અને ધીમે ધીમે ધો.8 થી 11ના વર્ગો પણ શરૂ થાય તેવી અમને આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.