વોર્ડ નં.8માં પંચાયત મેઈન રોડપર એક જ પરિવારના બે યુવાન, એક આધેડ અને બે કિશોરીઓ કોરોનાથી સંક્રમીત: રાજયમાં કોવિડના નવા 68 કેસ: એકિટવ કેસનો આંક 580એ આંબ્યો

રાજયમાં ઓમિક્રોન વેરિયન્ટના ઓછાયા હેઠળ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુરૂવાર ગુજરાતમાં કોરોનાના નવા 68 કેસો નોંધાયા હતા. રાજયમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ પાંચ કેસો નોંધાયા છે. રાજકોટમાં એક જ પરિવારના પાંચ વ્યકિતઓ સહિત કુલ સાત વ્યકિતઓ કોરોનાથી સંક્રમીત થયા છે. સતત બીજા દિવસે રાજકોટમાં કોરોનાના સાત કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજયમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો તે દર્દીને ગઈકાલે 17 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.દરમિયાન હવે રાજયમાં કોરોનાના તમામ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે. જેનાથી ખ્યાલ આવે કે દર્દીને કોરોનાનો કયો વેરિયન્ટ છે.

ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના નવા 68 કેસ નોંધાયા હતા. મહાપાલિકા વિસ્તારોમાં રાત્રી કરફયુ અમલમાં હોવા છતા કોરોના કેડોમૂકતો નથી.ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં નવા 12 કેસ, સુરત કોર્પોરેશનમાં નવા 7 કેસ ગાંધીનગર જિલ્લામાં પાંચ કેસ, નવસારી જિલ્લામાં પાંચ કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, કચ્છ જિલ્લામાં બે કેસ, વલસાડમાં બે કેસ, ભરૂચ, રાજકોટ ગ્રામ્ય અને સુરતમાં એક-એક કેસ નોંધાયો હતો. રાજયમાં હાલ કોરોનાના એકિટવ કેસનો અંક 580 એ પહોચ્યો છે.

જે પૈકી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 574 દર્દીઓની હાલત સ્થિર છે. ગઈકાલે નવા 68 કેસ નોંધાયા હતા. જેની સામે 43 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજયમાં 817687 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામા સફળ રહ્યા છે. રિકવરી રેઈટ 98.71 ટકા જેવો રહેવા પામ્યો છે. કોરોનાથી 10100 દર્દીઓના મોત નિપજયા છે.

રાજકોટમાં ગઈકાલે એક જ પરિવારના પાંચ વ્યકિતઓ સહિત કોરોનાના કુલ સાત કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 32 દર્દીઓ સારવાર હેઠળ છે.ગઈકાલે 3 દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં કોવિડના કુલ 42917 કેસ નોંધાયા છે. શહેરના વોર્ડ નં.8માં પંચાયત મેઈન રોડ પર એક જ પરિવારના 74 વર્ષિય આધેડ 43 વર્ષિય બે પુરૂષ અને 15 વર્ષની બે તરૂણ કોરોનાથી સંક્રમીત થયા છે. તેઓ કોઈ જ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. અને હાલ હોમ આઈસોલેટ થયા છે. આ ઉપરાંત શહેરનાં વોર્ડ નં.10માં શાંતીનિકેતન સોસાયટીમાં રહેતી 32 વર્ષિય યુવતી કે જે અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

તે હાલ હોમઆઈસોલેશન હેઠળ છે. જયારે વોર્ડ નં.9માં સાધુવાસવાણી રોડ પર 65 વર્ષિય પુરૂષ પણ કોરોનામાં ભરડામાં આવ્યા છે. તેઓ કોઈજ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. હાલ હોમ આઈસોલેટ છે.

જામનગરમાં ઓમિક્રોનના ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટીવ

જામનગર અને  સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર છે.  જામનગરમાં ઓમીક્રોનના નોંધાયેલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે.

ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયેલા ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ. 12 દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરાયા હતા.રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ. ગુજરાતના પ્રથમ ત્રણ ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ સાજા થઈ પરત ઘરે ગયા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.