ટ્રકમાં રેડીયમપટ્ટી લગાવવા બાબતે થયેલી સામાન્ય માથાકુટ લોહીયાળ બની: ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા અન્ય ત્રણ યુવાન ઘાયલ
રાજકોટ શહેરમાં બિહાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેમ પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ સરાજાહેર લુખ્ખા અને આવારા તત્વો દ્વારા હુમલા કરવાની ઘટનાઓ આમ બની છે ત્યારે ખાખીનો ખૌફ ઓસરી રહ્યો હોય તેમ ગઈકાલે બપોરે લોકોની અવર-જવર અને ધમધમતા રાજકોટ આરટીઓ કચેરીમાં સરાજાહેર યુવાનને છરીનાં ઘા ઝીંકી હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. અત્યારનાં બનાવનાં પગલે પોલીસે તપાસ હાથધરી હતી. મૃતક યુવકનાં પરિવારજનો અને મિત્રો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં એકઠા થઈ જતા અને ફરિયાદ નહીં કરવાનું તથા હત્યારાઓને સમજી લેવાનું કહી વાતાવરણ ગરમાયું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી જેનાં કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
શહેરનાં સામાકાંઠે દુધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.૬માં ફારૂકી મસ્જીદ પાછળ રહેતો સાહિલ હનીફભાઈ પાયક (ઉ.વ.૨૫) નામનો યુવાન ગઈકાલે બપોરનાં ૩:૩૦ વાગ્યે આરટીઓ કચેરીએ હતો ત્યારે સવારે ટ્રકમાં રેડીયમપટ્ટી લગાવવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ગોકુલનગરમાં રહેતો કનુ એન.આહિર તથા કુલદિપ અને અજાણ્યા ચાર શખ્સો બ્રેઝા ગાડી તથા બુલેટમાં ઘાતક હથિયારો સાથે ધસી આવી સાહિલ પર હુમલો કર્યો હતો ત્યારે સાહિલને છોડાવવા વચ્ચે પડેલા યુનુસભાઈ, ઝાબીરભાઈ તથા ફારૂકભાઈ, હાર્દિકગીરી છોડાવવા વચ્ચે પડયા હતા તે દરમિયાન હુમલાખોરોએ આડેધડ છરીનાં બે ઘા સાહિલને ઝીંકી દઈ ગંભીર ઈજા કરી હતી અને છોડાવવા પડેલા સાહિલનાં મિત્રોને પણ ઈજા કરી હુમલાખોરો નાસી ગયા હતા. સાહિલને ક્રેટા કારમાં તેમનાં મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ દમ છોડી દીધો હતો.
મૃતક સાહિલનાં મોટાભાઈ અને આરટીઓ કચેરીમાં સાથે રેડીયમપટ્ટી લગાવવાનું કામ કરતા એઝાઝ ઉર્ફે એઝુ હનીફભાઈ પાયક (ઉ.વ.૨૬)એ ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ આરટીઓ એજન્ટ તથા વાહનમાં રેડીયમ લગાવવાનું કામ કરે છે. કુટુંબમાં બે ભાઈ અને એક બહેન છે જેમાં મૃતક સાહિલ નાનો છે. ગઈકાલે સવારે સાહિલ એઝાઝ અને તેની સાથે કામ કરતા યુનુસભાઈ, ઝાબીરભાઈ, ફારૂકભાઈ સહિતનાઓ સવારે ૧૧:૦૦ વાગ્યે આરટીઓ કચેરીએ નિત્યક્રમ પ્રમાણે કામકાજ કરવા ગયા હતા ત્યારે ૧૧:૦૦ વાગ્યે જી.જે.૦૩ એ.ટી. ૩૯૮૬ નંબરનો ટ્રક પાર્સીંગ માટે ડ્રાઈવર લઈને આવ્યો હતો આ ટ્રક વીરા આહિર નામના એજન્ટ મારફતે આવ્યો હતો. ટ્રક ડ્રાઈવર અને તેની સાથે આવેલા માલિક સહિત ત્રણ સાથે સાહિલને રેડીયમ લગાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ બપોરનાં સમયે કોઠારીયા રોડ પર ગોકુલનગરમાં રહેતો કનુ એન.આહિર, કુલદિપ સહિત અન્ય શખ્સો સાથે સમાધાન થઈ ગયું હતું અને ચા-પાણી સાથે પી લીધા હતા.
આ ઘટના બન્યા બાદ સાહિલ અને અમે અન્ય મિત્રો આરટીઓનાં રોજીંદા કામકાજ કરવા લાગ્યા હતા તે દરમિયાન એક બ્રેઝા કાર અને બુલેટમાં કનુ આહિર, કુલદિપ તથા ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને સાહિલને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને સાહિલને કનુ તથા કુલદિપે છરીનાં આડેધડ ઘા ઝીંકયા હતા ત્યારે મિત્ર ઝાબીરભાઈ, યુનુસભાઈ, ફારૂકભાઈ સહિતનાઓ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ લાકડી વડે મારમાર્યા હતા. સાહિલને ગંભીર ઈજા થતા તે ઘટનાસ્થળે ઢળી પડયો હતો. હુમલાખોરો બ્રેઝા અને બુલેટમાં નાસી ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત સાહિલને અન્ય લોકો અને તેનાં મિત્રો તેને સારવાર માટે ક્રેટા ગાડીમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું.
સાહિલની આરટીઓ કચેરી ખાતે સરાજાહેર હત્યા થયાની જાણ પરિવારજનો અને મિત્રો વર્તુળમાં થતાં લોકોનાં મોટા ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા અને પરિસ્થિતિ ગંભીર સર્જાઈ હતી. મૃતક સાહિલનાં પરિવારજનો ફરિયાદ નોંધાવવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પૂર્વે જ પોલીસનાં ધાડેધાડા ઉતારી દઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બનાવ બાદ બી ડીવીઝન પોલીસ મથકનાં પી.આઈ. વી.જે.ફડાણવીસ, પીએસઆઈ એમ.એમ.ઝાલા, એ.એસ.આઈ વિરમભાઈ ધગલ તથા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની અલગ-અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.