અમદાવાદ અને રાજકોટની પાંચ રૂપલલના પાસે દેહના સોદા કરાવતા બે સંચાલક, બે રંગીન મિજાજી ગ્રાહક અને ચોકીદારની ધરપકડ
કોરોના કાળ બાદ સ્પા શરૂ કરવાની છુટછાટ આપવામાં આવતા શહેરના કાલાવડ રોડ અને યુનિર્વસિટી રોડ પરના રોયલ ફેમિલી અને રોયલ મીન્ટ સ્પામાં કૂટણખાનું શરૂ થતા બંને સ્થળે પોલીસે દરોડા પાડતા અમદાવાદ અને રાજકોટની પાંચ રૂપલલના પાસે દેહના સોદા કરાવતા બંને સ્પાના સંચાલક, બંને સ્પામાં રંગરેલીયા મનાવવા આવેલા રંગીન મિજાજી ગ્રાહક અને એક ચોકીદાર મળી પાંચની ધરપકડ કરી છે. પાંચેય શખ્સો પાસેથી પોલીસે એક લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર સ્વામી નારાયણ મંદિર સામે અમી કોમ્પ્લેક્ષ ચાલતા રોયલ ફેમિલી સ્પામાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમીના આધારે માલવીનગર પી.આઇ. કે.એન.ભુકણ, પીએસઆઇ એ.સી.સિંધવ, બી.બી.રાણા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયા, કમલેશભાઇ મોરી, અંકિતભાઇ નિમાવત, દિગ્પાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોડ અને મહિલા કોન્સ્ટેબસ શ્રધ્ધાબેન રામાણી સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે રેલનગર પાસે લોક માન્ય તિલક સાત માળીયા કવાર્ટરમાં રહેતા અને રોયલ ફેમિલી સ્પાના સંચાલક હિરેન નિતીન જોષી અને સ્પામાં રંગરેલીયા માટે આવેલા રણછોડનગરના પાર્થ બાબુભાઇ રાદડીયા નામના પટેલ શખ્સની ધરપકડ કરી બંને પાસેથી મોબાઇલ મળી રૂા.33,500નો મુદામાલ કબ્જે કર્યો છે.
જયારે યુનિર્વસિટી રોડ પર આવેલા શુભધારા કોમ્પ્લેક્ષમાં રોયલ મીન્ટ નામના સ્પામાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા, પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મિયાત્રા, કુલદીપસિંહ ચુડાસમા, જયંતીગીરી ગૌસ્વામી અને મહિલા કોન્સ્ટેબલ નિલમબેન પાસી સહિતના સ્ટાફે રોયલ મીન્ટ સ્પામાં દરોડો પાડતા સ્પાના ઓઠા તળે કૂટણખાનું ચલાવતા પરસાણાનગરના અક્ષય જીતેશ મકવાણા, હિરેન દિપક વાઘેલા અને પુષ્કરધામ સોસાયટી સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા રંગીન મિજાજી ગ્રાહક જીગર રમેશ દુધરેજીયા નામના શખ્સોની ધરપકડ કરી રૂા.73, 500ની કિંમતના છ મોબાઇલ અને રોકડ કબ્જે કર્યા છે.
બંને સ્પામાં દેહના સોદા માટે આશરો આપી આજીવીકા ચલાવતા કૂટણખાના સંચાલક રંગીન મિજાજી ગ્રાહક પાસેથી રૂા.2500 વસુલ કરી રૂપલલનાને રૂા.1000 ચુકવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.