આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેદ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર કે જે માત્ર જળ સંચય જ નહીં પરંતુ મોડેલ સરોવર બને જ્યાં બ્યુટીફીકેશન સહિતની કામગીરી થાય તેવો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તેમજ સહકારી સંસ્થાઓ, કો-ઓપરેટીવ બેંકો અને ખાનગી બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજવામા આવી હતી.
જલ શક્તિ અભિયાન હેઠળ જન ભાગીદારી થકી તળાવોને ઉંડા ઉતારવા, બ્યુટીફીકેશન, વોક-વે સહિતનું તળાવ નિર્માણ પામે તે માટે કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સી.એસ.આર. અંતર્ગત કંપનીઓ દ્વારા ફંડ આપી લોક ઉપયોગી કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે લોકો માટે પાણી પણ એટલું જ ઉપયોગી હોઈ ત્યારે જળ સંચય અભિયાનમાં લોકો જનભાગીદારીથી જોડાય તેમ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.
આગામી ૧૫ ઓગસ્ટના રોજ તળાવ કિનારે ધ્વજ વંદન કાર્યક્રમ કરી આ અભિયાનને દેશની આઝાદી સાથે પણ જોડવાનું પ્રેરણાદાયી સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકરીઓ, ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, વિવિધ સહકારી સંસ્થાઓ, ખાનગી બેન્ક તેમજ કો-ઓપરેટીવ બેન્કના અધિકારીઓ જોડાયા હતાં તેમજ આ અભિયાનમાં સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.