આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, નાયબ મામલતદારની ૧૫૪ જગ્યા માટે રાજ્યમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભર્યા ફોર્મ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ હવે આગામી રવિવારે જી.પી.એસ.સી. વર્ગ – ૩ ની એકઝામ લેવાશે ત્યારે આ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે તકેદારી રાખવા કડક સૂચના આપવામાં આવી છે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની ૧૫૪ જગ્યા માટે રાજ્યભરમાંથી એક લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે રાજકોટમાં ૧૨૧૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે દરમ્યાન કડક નિગરાણી રાખવા બુધવારે કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ સહિત રાજ્યભરમાં તા.૮ નવેમ્બરના જી.પી.એસ.સી. વર્ગ – ૩ ની પરીક્ષા લેવાશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રવિવારે લેવાનારી ઓફિસ આસિસ્ટન્ટ અને નાયબ મામલતદારની પરીક્ષાને લઈને અત્યારથી જ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. રાજકોટ ડી.ઈ.ઓ. આર.એસ. ઉપાધ્યાય જણાવે છે કે, શહેરના ૫૪ બિલ્ડીંગના ૫૦૭ બ્લોક પરથી જી.પી.એસ.સી. વર્ગ – ૩ ની પરીક્ષા લેવાશે. જે માટે સ્થળ સંચાલક, રુટ અધિકારી, તકેદારી અધિકારી અને આયોગના પ્રતિનિધિ સાથે બેઠક મળી હતી. જેમાં સૂચના આપવામાં આવી કે, બપોરે ૧૧ થી ૧ દરમ્યાન લેવાનારી જી.પી.એસ.સી. વર્ગ – ૩ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૧૦:૩૦ વાગ્યે એન્ટ્રી આપી દેવાની રહેશે. પરીક્ષાના સમય પહેલા કોઈને પ્રવેશ નહીં મળે અને તમામ છાત્રોને પરીક્ષા પૂર્ણ થયા બાદ જ પરીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. પરીક્ષામાં હાજર – ગેરહાજર છાત્રોની માહિતી અડધો કલાકમાં જ આપવાની રહેશે અને ગેરહાજર છાત્રોના પ્રશ્નપત્રો અને ઉતરવાહી તુરંત જ કવરમાં મૂકી દેવાની રહેશે અને પેપરના કવરનું સીલ છાત્રો સામે જ ખોલવાનું રહેશે. સમગ્ર પ્રક્રિયા સી.સી.ટી.વી. મોનિટરિંગ હેઠળ જ કરવાની રહેશે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ન થાય તે માટે કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.
૧૫૪ જગ્યા માટે રાજ્યભરમાં એક લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે આ આંકડો જ બતાવે છે કે રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. માત્ર રાજકોટમાં જ ૧૨ હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે આ જ રીતે સૌરાષ્ટ્ર – ગુજરાતના અન્ય કેન્દ્રો પરથી પણ હજારો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે બિનસચિવાલયની પરીક્ષાની જેમ હવેની પરીક્ષામાં છબરડા કે ગેરરીતિ તો નહીં થાય ને ? તેવો સવાલ પણ છાત્રો ઉઠાવી રહ્યા છે.