મહારાષ્ટ્ર સામેની મેચમાં ઋતુરાજ ગાયકવાડે 154 ફટકારી છત્તિસગઢને જ્યારે કેરેલા સામેની મેચમાં 112 રન ફટકારી મધ્યપ્રદેશને જીત અપાવતો વેંકટેશ ઐય્યર
અબતક, રાજકોટ
બીસીસીઆઇની વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટના ઇલાઇટ ગ્રુપ ડીની યજમાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કરી રહ્યું છે. આઇપીએલના સ્ટાર ખેલાડીઓ બેટ્સમેનો માટે સ્વર્ગ સમી મનાતી ખંઢેરીની વિકેટ પર બરાબર ખિલી ઉઠ્યા છે. ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશન અય્યરની શાનદાર આક્રમક સદીની મદદથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ટીમનો શાનદાર વિજય થયો છે. સંજુ સેમસન, બસિલ થામ્પી, સચિન બેબી, આવેશ ખાન, રાહુલ ત્રિપાઠી સહિતના ખેલાડીઓ હાલ રાજકોટ ના મહેમાન બન્યા છે.
ગઇકાલે ખંઢેરી સ્ટેડિયમના ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલી મેચમાં મહારાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. છતીસગઢની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 275 રન બનાવ્યા હતાં. 276 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી મહારાષ્ટ્રની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 47 ઓવરમાં લક્ષ્યાંક હાંસિલ કરી લીધો હતો. આઇપીએલમાં સી.એસ.કે. વતી ઓપનિંગ કરનાર અને ગત સિઝનમાં ઓરેન્જ કેપ મેળવનાર ઋતુરાજ ગાયકવાડે 143 બોલમાં 5 સિક્સર અને 14 ચોગ્ગાની મદદથી 154 રન ફટકાર્યા હતાં. જ્યારે વાય.જે. નહરે પણ 61 બોલમાં 52 રન ફટકારી ટીમના વિજયમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
ખંઢેરી સ્ટેડિયમના ગ્રાઉન્ડ સી પર રમાયેલી મધ્યપ્રદેશ અને કેરેલા વચ્ચેની મેચમાં કેરેલાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. મધ્યપ્રદેશની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 329 રન તોતીંગ જુમલો ખડક્યો હતો. તાજેતરમાં ટીમ ઇન્ડિયા વતી 20-20 મેચમાં ન્યુઝીલેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વેંકટેશ અય્યરે 84 બોલમાં 4 સિક્સર અને 7 ચોગ્ગાની મદદથી 112 રન ફટકાર્યા હતાં. જ્યારે શુભમ શર્માએ પણ 82 રન ફટકાર્યા હતાં. 330 રનના લક્ષ્યાંક સામે મેદાનમાં ઉતરેલી કેરેલાની ટીમે 49.4 ઓવરમાં 289 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. સચિન બેબીએ 67 રન બનાવ્યા હતાં. મધ્યપ્રદેશની ટીમનો 40 રને શાનદાર વિજય થયો હતો. માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઉત્તરાખંડ અને ચંડીગઢ વચ્ચેની મેચમાં ઉત્તરાખંડે ચંડીગઢને 3 વિકેટે પરાજય આપ્યો હતો.