ગેસનો બાટલો લીક હોવાથી સર્જાઈ ઘટના: ઘરના દરવાજા પણ તુટયા
રાજકોટમાં મોરબી રોડ પર ખોડીયાર પાર્કમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટતાં પિતા-પુત્ર દાઝી ગયાની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે દાઝેલા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાટલો લીકેજ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર આવેલા ખોડીયાર પાર્ક-3માં રહેતા રમેશભાઇ મનજીભાઈ સરેરિયા (ઉ.વ.48) અને તેના પુત્ર પિયુષ સરેરીયા (ઉ.વ.18) બંને વહેલી સવારે ઘરમાં બાટલો ફાટતાં દાઝી ગયા હતા. જેથી પાડોશીએ તુરંત પ્રાઇવેટ વાહનમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ તુરંત હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ આજરોજ વહેલી સવારે રક્ષાબંધન પર્વના કારણે ઘરના સભ્યો વહેલા જાગી ગયા હતા. ત્યારે ગેસનો બાટલો લીકેજ થતો હોય જેનો ખ્યાલ ન હોય અને પિયુષ સરેરિયાએ લાઈટ સ્વીચ ચાલુ કરતા તેના સ્પાર્કમાંથી તુરંત આગ પ્રસરી હતી. જોતજોતામાં બાટલામાં ધડાકાભેર વિસ્ફોટ થતા પિયુષ ગંભીર રીતે દાઝ્યો હતો અને રમેશભાઈ પણ આગમાં સપડાઈ જતા તેને પણ ઇજાઓ થઈ હતી.
બાટલો ફાટવાના પ્રચંડ અવાજથી પાડોશીઓ પણ ડરી ગયા હતા અને તાબડતોડ રમેશભાઈના ઘરે દોડી આવ્યા હતા. જેમાં ગંભીર રીતે દાઝી જતા પાડોશીઓએ તુરંત બંનેને ખાનગી વાહનમાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રમેશભાઈ સરેરિયા પોતાના પરિવાર સાથે તહેવાર નિમિતે બહારગામ જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તે પહેલાં જ બાટલો ફાટતા પરિવાર શબ્દ થઈ ગયો હતો અને ઘટનામાં ઘવાયેલા પિતા-પુત્ર બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.