- ખાખીનો ખોફ ઓસર્યો!!
- શાપર-વેરાવળમાં યુવકની ઉઘરાણીના પ્રશ્ર્ને અને ગોંડલ ખાતે જૂની અદાવતમાં છરી ઝીંકી ઢીમઢાળી દીધું
રાજકોટ જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થા અંગે હત્યા, ચોરી, મારામારી અને દારૂ જુગારના ગુનાઓનો ગ્રાફ શેર બજારના સેન્સેકસના ગ્રાફની જેમ ઉંચકાય રહ્યો છે. ગોંડલ અને શાપર-વેરાવળમાં નજીવી બાબતે લોથ ઢળતા પોલીસ કામગીરી સામેઆંગળી ચિંધાય રહી છે. જેમાં શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં પાનની ઉઘરાણીના પ્રશ્ર્ને બેવેપારી બંધુએ ગ્રાહકની છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું છે.શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ગોંડલ શહેરમાં વહેલી સવારે સસ્પેન્ડ હોમગાર્ડ જવાન સાથે ચાલતીજૂની અદાવતને કારણે થયેલી માથાકૂટના કારણે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી એક શખ્સને સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સસ્પેન્ડ હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા
પોલીસે ભેદ ઉકેલી હત્યારાને સકંજામાં લીધો
ગોંડલ શહેરમાં આજે વહેલી સવારે એસટી બસ સ્ટેન્ડ પાસે સાગરભાઈ મેવાડા ઉ.વ.28 નામના ભરવાડ યુવક ઉપર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતા સાગરભાઈ મેવાડાને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ યુવકને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરના હદય સમા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.હત્યાના આ બનાવની જાણ ગોંડલ બી ડિવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.આ સાથે જ છરી ઘા ઝીકીને યુવકની હત્યા કરનાર શંકમંદ આરોપી ઘનશ્યામ
રસીકભાઈ પરમાર નામના શખ્સને પોલીસે સંકજામાં લઈ લીધો હતો.આરોપી ઘનશ્યામ પરમારને અગાઉ મૃતક સાથે માથાકૂટ થઈ હોવાથી જેમનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.આ સાથે ઘનશ્યામ પરમાર નામનો યુવક અગાઉ ગોંડલ હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ જાણવા મળી છે.આ સાથે જ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા સાથે તપાસ હાથ ધરી હતી.જ્યારે મૃતક યુવક સાગર મેવાડા પરણિત હોવાની સાથે સંતાનમાં 2 દિકરીઓ હોવાની વિગતો જાણવા મળી છે
શાપર-વેરાવળમાં રૂ.4500એ યુવાનનો ભોગ લીધો
છરી વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારનાર રાજકોટના વેપારીબંધુની અટકાયત
શાપર-વેરાવળ મેઇન રોડ કોરાટ સ્કુલ પાસે ધર્મભક્તિ કોમ્પલેક્ષમાં સિધ્ધી વિનાયક નામની પાનની દુકાને ઉઘરાણીના પ્રશ્ર્ને વેપારીબંધુએ યુવકનું છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે.
વધુ વિગત મુજબ વેરાવળ-શાપર વિસ્તારમાં આવેલા શિવનગરમાં રહેતો જયદિપ રાજેશભાઇ મકવાણા નામનો યુવાને રાજકોટ શહેરના ન્યૂ સુભાષ સોસાયટીમાં રહેતો યશ મનસુખ સોનાગરા અને તેનો ભાઇ વિરાગ મનસુખ સોનાગરા સહિત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની કાકા ભરતભાઇ પાલાભાઇ મકવાણાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જયદિપ મકવાણા નામના યુવાન સિધ્ધી વિનાયક નામની દુકાને પાન-ફાકી ખાવા ગયો હતો ત્યારે યશ સોનગરા અને તેના ભાઇએ અગાઉના રૂ.4500ની ઉઘરાણી કરતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા વેપારીબંધુએ છરી વડે હુમલો કરતો ગંભીર હાલતમાં શાપર-વેરાવળ સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટની હોસ્પિટલે ખસેડી પોલીસે વેપારીબંધુની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.