સૌરાષ્ટ્રમાં ઓછું થતું જતું પશુપાલન આવનારા સમયમાં સિત્થેટીક દૂધ વાપરવા મજબુર બનાવશે?
રાજકોટમાં બે સરકારી પશુ કેન્દ્રો સામે સાર્વજનિક ટ્રસ્ટના ચાર કેન્દ્રો
દૂધાળા પશુની સરખામણીએ અન્ય પાળતુ પશુ-પક્ષીઓની સંભાળ- સારવારમાં વધેલી જાગૃતિ
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં અબોલ જીવો માટે મોટા પાયે ખાસ અભિયાન ચાલે છે જેમાં કરવામાં આવતા કાર્યો વિશ્ર્વસ્તરે ઉદાહરણીય બન્યા છે.
હાલમાં રાજકોટ શહેરમાં અબોલ જીવ જેવા કે ગાય, ભેંસ, બળદ, શ્ર્વાન, બિલાડીથી લઇને ઘેટા પાળવામાં આવતા શ્ર્વાન, બિલાડી, પોપટ, પાણીમાં રહેતા કાચબા, સફેદ કબૂતરો જેવા પશુ-પક્ષીઓની સારવાર કરવા માટેની સાર્વજનીક ટ્રસ્ટની ચાર હોસ્પિટલો કાર્યરત છે સાથે સાથ પાલતુ શ્ર્વાનને મેડીકલ ટ્રીટમેન્ટ અને તેની માવજત કરવાની સલાહ-સુચનો આપતી ખાનગી કલીનીકો પણ ઠીક ઠીક પ્રમાણમાં છે આ ઉપરાંત સરકારી સ્તરે મુખ્યત્વે પશુઓને સારવાર ઉ૫લબ્ધ કરાવતી બે મુખ્ય પશુ હોસ્પિટલ છે. પાંજરાપોળ અને મુખ્ય દૂધની ડેરીમાં વેટરનરી સેકટરમાં પશુ ચિકિત્સા કરનાર ટીમ પોતાના ક્ષેત્ર પુરતુ કાર્ય કરે છે.
રાજકોટ જીલ્લામાં સરકારી પશુ દવાખાના માટે ર૮ ડોકટરોની જગ્યા છે જેમાં હાલમાં માત્ર ૧ર જગ્યાએ જ ડોકટરો કાર્યરત છે. જયારે ૧૬ જગ્યાએા ખાલી પડી છે. છેલ્લા ૩ વર્ષથી સરકારે એક યોજના અંતર્ગત રાજકોટ જીલ્લા માટે ૩૦ નવા પશુ ચિકિત્સા કેન્દ્રોની દરખાસ્ત કરવામાં આવી છે.
ગુજરાત સરકાર વર્ષમાં એક વખત પ્રાણી કલ્યાણ પખવાડીયું ઉજવે છે જે એક જાન્યુઆરીથી ૧પ જાન્યુઆરી સુધી ઉજવાય છે. આ દરમિયાન દરેક તાલુકા લેવલે એક-એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હયુમન ૧૦૮ ઇમરજન્સી સારવાર સુવિધા જેવી પશુ-પક્ષીઓ માટેની ૧૯૬૨ નંબર ડાયલ કરવાથી તુરંત ઉપલબ્ધ થતી ઇમરજન્સી સેવા ઓકટોબર ૨૦૧૭ થી શરુ કરવામાં આવી છે.
રાજકોટ માટે આવી બે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફાળવાયેલી છે જેનું સંચાલન ગાંધીનગરથી થાય છે.
પશુઓની દેખભાળ અને સારસંભાળ વિશે વિગતો આપતા ડો. એમ.આર.કનેરીયાના (ડેપ્યુટી ડાયરેકટર, જીલ્લા પંચાયત, પશુપાલન શાખા રાજકોટ) જણાવ્યાનું સાર સૌરાષ્ટ્રમાં ઉત્તરોતર વધતી જતી પાણીની અછતને કારણે ઘટતા ગૌચર અને ચરિયાણાને કારણે પુશપાલનની પ્રવૃતિમાં ઘટાડો થયો છે. ખેતીની પરંપરાગત પઘ્ધિતિની જગ્યાએ આધુનિકતા અપનાવવાને કારણે ખેતીમાં પશુઓનો ઉપયોગ મર્યાદીત થયો છે. શહેરોમાં ગીચતાને કારણે દુધાળા પશુઓ રાખવાની જગ્યા નથી બચી તદઉપરાંત મહાનગરપાલિકાના નિયમો મુજબ શહેરી વિસ્તારોમાં પશુઓ રાખી શકાતા નથી. આથી પશુપાલકો પરંપરાગત વ્યવસાય છોડી અન્ય વ્યવસાયો તરફ પલાયન થઇ રહ્યા છે.
સરકારી પશુ ચિકિત્સાલયના ડો. કાકડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરોમાં અને હદે તો ગ્રામ્યસ્તરે પણ દુધાળા પશુઓમાં અન્ય ખોરાકની સાથે પ્લાસ્ટીક પેટમાં જતા રહેવાનું પ્રમાણ વઘ્યું છે. પશુઓની જઠરમાં આ પ્લાસ્ટિક જમા થાય છે અને તેનો ગઠ્ઠો બની જવાથી હોજરી ભરાઇ જતા પશુ ખોરાક લઇ શકતુ નથી અને બિમાર પડે છે યોગ્ય સમયે સારવારનાં અભાવે મૃત્યુ પામે છે.ડો. કાકડીયાએ અબતકને પશુપાલકો માટે સરકારી સહાયતી વિગતો આપી હતી. તેમજ પશુ સંભાળની યોગ્ય પઘ્ધતિની જાણકારી આપી હતી. ખાસ કરીને ઉનાળાના તાપમાં પશુઓને ખુલ્લા તડકામાં રહેલું બંધીયાર પાણી પીવડાવવાથી પશુઓને લૂ લાગી જળ પાયન શકિત મંદ પડી જવી દૂધનું પ્રમાણ ઘટી જવું, આફરો ચડવો જેવી સમસ્યાઓ અંગે જાગૃતિ આવે એ માટે સુચનો જણાવ્યા હતા.શહેરોની આજુબાજુ વસતા પશુપાલકો શહેરની નાની મોટી હોટલ રેસ્ટોરન્ટમાંથી વઘેલો એંઠવાડ એકઠો કરીને પશુઓને ખવડાવતા હોય છે. લીલો, સૂકો ઘાસચારો મોંધો થતા અને ખાણ, દાણ, ખોળ ખવડાવવો પોષાતો ન હોવાનું બહાનું આગળ ઘટી હોટલો કે સમારંભોમાં વધતો એઠવાડ ખાતા દૂધાળા પશુઓને એવા ખોરાકની આદત પડી જાય છે. તેલ, મસાલા, અખાદ્ય કલર, ચાઇનીસ ડીશમાં વપરાતા ઇન્ટ્રીગન્ટ, સાઉથ ઇન્ડીયન ડીશોમાં વપરાતા આથો આવેલા તત્વો આરોગવાથી પશુઓને આરોગ્યની દ્રષ્ટિએ આવો એંઠવાડ નુકશાન પહોચાડે છે. દૂધના સ્વાદમાં પણ ફેર પડી જાય છે. દૂધાળા પશુ વધુ સરળતાથી દૂધ આપે એ માટે ઓકિસટોસીન નામના હોર્મોન્સના ઇંજેકશનો આપે છે. જે પશુઓ માટે ધીમું ઝેર સાબિત થાય છે. આવા પશુઓના દૂધમાઁ પણ આ કૃત્રીમ રસાયણ ભળે છે. જે માનવીને પણ નુકશાન કરે છે. ભારતમાં આ ઇઝનેકશનો પ્રતિબંધીત છે પણ પશુપાલકો છાના ખુણે એ મેળવી લ્યે છે.
પશુઓની આવરદા ઉપર આ ઇન્જેકશનોની અસર થાય છે એથી થોડા અંશે પશુપાલકોમાં જાગૃતિ આવી છે. આમ છતાં થોડા વધુ દૂધ ઉત્પાદનની લાલચે પશુ પાલકો ચોખાનું ઓસમણ અને ખાંડનું પાણી પણ અમુક પશુ પાલકો પશુઓને પીવડાવે છે. અલબત પશુ ડોકટર ગોળનું પાણી પીવડાવવાને પ્રમાણભૂત માને છે.સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ, વિજય પ્લોટમાં આવેલ પશુ ચિકિત્સા કેન્દ્રમાં લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર રમેશ રામાવતના જણાવ્યાનુસાર એઠવાડ ખાતી ગયાની પ્રજનન ક્ષમતા પ્રભાવીત થઇ શકે છે, કેમ કે એઠવાડમાં તૈલી પદાર્થ મસાલા સાથે ભળવાથી આથો આવવાની પ્રક્રિયા થાય છે. ગાયને અફટો ચડે છે. સૂકૂ- લીલુ ઘાસ કે પશુ આહાર આરોગતી ગાયો બાદમાં એ ખોરાક વાગોળવા માટે પહેલી જઠરમાંથી પરત મોઢામાં લાવે છે જયારે વધેલા એઠવાડ પ્રવાહી ફોમમાં હોવાથી પશુની વાગોળવાની ક્રીયા થંભીનથી જે આગળ જતા પશુના સ્વાસ્થય ઉપર અસર કરે છે.
દૂધનું પ્રમાણ પશુમાં ઘટી જવાના કારણે અંગે રમેશ રામાવતે જણાવ્યું કે દુધાળા પશુમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. ત્યારે ગ્લુકોઝ ડેફીનેન્સી (કીટોસીસ) જરુરી માત્રામાં અપાય છે. જરુરીયાત હોય ત્યારે ઇન્ટ્રાવેન ગ્લુયોઝ પણ આપવામાં આવે છે. ખાંડનું પાણી વધુ પ્રમાણમાં દુધાળા ઢોરને આપવાથી લાંબાગાળે પશુના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. તેમ અંતમાં રમેશભાઇ રામાવતે જણાવ્યું હતું.શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના વેટરનરી ડોકટર હિરેન વિરાણી એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પંચનાથ પ્લોટ , પંચનાથ મંદીર પાસે ટ્રસ્ટની વેટરનીટી હોસ્પિટલમાં બીલકુલ નિ:શુલ્ક સારવાર દરેક પ્રકારના અબોલ જીવોને આપવામાં આવે છે. અદ્યયતન ટેકનીકલ સાધનો સાથે પશુ-પક્ષીને લગતી કોઇ પણ બિમારી કે આકસ્મિક પરિસ્થિતિ માટે ટ્રસ્ટ તરફથી કોઇ અપેક્ષા રાખવામાં આવતી નથી કવોલિફાયડ ડોકટરો અને ટીમ સહાયકો દ્વારા જટીલ ઓપરેશનો પણ પાર પાડવામાં આવે છે. પશુ પક્ષીઓને મુખ્યત્વે પેટની બિમારીથી અન્ય બિમારીઓ થતી હોય છે. આ ઉપરાંત શારીરિક ઇજાના પ્રાથમીક સારવારથી લઇને ઓપરેશનની સુવિધા પણ પુરી પડાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com