ધડાધડ સહાયની અરજીઓના નિકાલ, અત્યાર સુધીમાં 5 હજાર અરજીઓના ચૂકવણા પણ કરી દેવાયા
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોના સહાયની ચુકવણીનો આંક 25 કરોડને પાર થઈ ગયો છે. કલેકટર તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 5 હજારથી વધુ અરજીઓમાં ચૂકવણા પણ કરી દેવામાં આવ્યા છે.
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રૂ. 50 હજારની સહાય આપવામાં આવી રહી છે. આ માટે શરૂઆતના દિવસોમાં ઓફલાઇન બાદ હવે ઓનલાઇન અરજીની સુવિધા ઉપલબ્ધ બની છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની સૂચનાથી ડિઝાસ્ટર મામલતદાર ગોઠીની ઝડપી કામગીરીને લીધે કોરોના સહાયની અરજીઓનો ધડાધડ નિકાલ થઈ રહ્યો છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 5 હજાર જેટલી અરજીઓમાં રૂ. 25 કરોડ જેટલી સહાયનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. કોરોના સહાયની આ અરજીઓને ચકાસી ત્વરિત મંજુર કરવામાં રાજકોટ જિલ્લાની કામગીરી રાજ્યભરમાં શ્રેષ્ઠ રહી છે.