૧ થી ૧૯ વર્ષની વયના બાળકોમાં કૃમિની તકલીફ જોવા મળતી હોય છે. કૃમિના ચેપથી બાળકોમાં લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટનો દુખાવો, ઝાડા તથા ઉલ્ટી, વજન ઓછુ થવું વગેરે તકલીફો થાય છે. બાળકોને આ તકલીફથી બચાવવા માટે આરોગ્ય વિભાગ તરફથી તા.૮ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
તા.૮ ઓગસ્ટના રોજ રાજકોટ જિલ્લાના ૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને એક જ દિવસે કૃમિ નાશક ગોળી ખવડાવવામાં આવશે. આ માટે આરોગ્ય ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવક હશે. આ દિવસે દરેક ગામમાં બુથ બનાવવામાં આવશે. અને બુથ ઉપર આરોગ્ય ટીમ દ્વારા બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે. તેમજ તા.૧૪ ઓગસ્ટના રોજ મોપઅપ રાઉન્ડ કરવામાં આવશે જેમાં આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે. અને જો બાકી હશે તો બાળકને સ્થળ ઉપર જ ગોળી ખવડાવવામાં આવશે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનના સુચારૂ અમલવારી અને સુપરવીઝન માટે સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તાર માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવેલ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે તથા જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર ની કામગીરી કરવામાં આવશે. રૂબરૂ મુલાકાત, મીટીંગ,શીબીર, બેનર, પત્રિકા, હોર્ડીંગ્ઝ, માઇકીંગ, રેલી, સપ્તધારા, મમતા દિવસ વગેરે કામગીરી કરવામાં આવશે. આ ગોળીની કોઇ આડઅસર નથી, તેથી ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને તા.૮ ઓગસ્ટના રોજ આ ગોળી અવશ્ય આપવા અપીલ છે.
તા.૮/૮/૧૯ ના રોજ રાજકોટ જિલ્લાના આ અભિયાનનો પ્રારંભ ગઢકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત, રાજકોટના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન ખાટરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયા તથા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતિ હંસાબેન વૈશ્નવ કરાવશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન નીચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ કતીરા અને તેમની ટીમ આ કામગીરી સંભાળી રહયા છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ, મેડીકલ ઓફીસરો, તાલુકા આરોગ્ય અધિકારીઓ આ કામગીરીમાં જોડાશે.