નાયબ પશુપાલન નિયામક સહિત કુલ ૪૭ જગ્યાઓ ખાલી હોવાથી પશુપાલકોને હાલાકી
અનેક સેન્ટરોમાં પશુ ચિકિત્સા કેન્દ્રો હોવા છતાં પણ સ્ટાફના અભાવે પશુઓની સારવાર થઇ શકતી નથી
બીમારીથી કણસતા પશુઓની હાલત સામે પશુપાલકો લાચાર
પશુધન માટે અનેક યોજનાઓ પરંતુ તેના આરોગ્યની જાળવણીમાં છીંડા
રાજકોટ જીલ્લામાં માત્ર ૧ર જ પશુ ડોકટર હોવાથી પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે. પશુ ડોકટરોની ૧૭ જેટલી જગ્યાઓ ખાલી હોવાથી બીમારીથી કણસતા પશુઓની હાલત સામે પશુપાલકો લાચાર બની ગયા છે. જીલ્લામાં નાયબ પશુપાલક નિયામક સહિત કુલ ૪૭ જગ્યાઓ ખાલી પડેલી હોવાથી અનેક સેન્ટરોમાં પશુ ચિકિત્સા કેન્દ્રો હોવા છતાં પણ સ્ટાફના અભાવે પશુઓની સારવાર થઇ શકતી નથી.
રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોનાં મોાભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. સરકાર દ્વારા પશુપાલકોનાં લાભાર્થે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ રાજકોટ જીલ્લામાં પશુઓના આરોગ્યની જાળવણીમાં છીંડા હોવાનું જણાઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં માત્ર ૧ર જ પશુ ડોકટરો છે. પશુ ડોકટરોની ર૯ જગ્યા પૈકી ૧૭ ખાલી પડેલી છે. રાજકોટ જીલ્લામાં પશુ ડોકટરોની પુરતી સંખ્યા મંજુર થયેલી નથી. તેવામાં મજુર થયેલી જગ્યામાં પણ અનેક જગ્યા ખાલી હોવાથી પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે.
રાજકોટ જીલ્લાના કુવાડવા, ગોમટા, જેતપુર, પાટણવાવ, રાજકોટ, ઉપલેટા, ભાયાવદર, મોટી પાનેલી, કોટડા સાંગાણી, જસદણ, વિરનગર, ભાડલા, પડધરી અને હડમતીયામાં પશુ ડોકટરોની જગ્યા ખાલી છે. કમનશીબી એ છે કે આ અનેક ગામોમાં પશુ ચિકિત્સા કેન્દ્રો તો છે પરંતુ આ પશુ ચિકિત્સા કેન્દ્રોમાં ડોકટરો ન હોવાથી નકામા બન્યા છે પશુ ડોકટરો ન હોવાથી અનેક ગામોમાં બીમારીથી કણસતા પશુઓના ઘણી વખત મોત પણ નીપજતા હોય છે.
બીમાર પશુઓની દયનીય હાલત સામે પશુપાલકોને ના છુટકે લાચાર થઇ બેસવું પડે છે.
રાજકોટ જીલ્લાના પશુપાલન વિભાગમાં પશુ ડોકટરો ઉપરાંત અન્ય ઘણી જગ્યાઓ ખાલી છે. પશુપાલન વિભાગની ૮૯ પૈકી કુલ ૪૭ જગ્યાઓ ખાલી હાલતમાં છે. નાયર પશુપાલન પશુચિકિત્સા અધિકારી (પશુ ડોરટકર)ની ૧૭, પશુધન નિરીક્ષકની પ, હીસાબી સીનીયર કલાર્કની ૧, હીસાબી જુનીયર કલાર્કની ૧, ડ્રેસરની ર અને પટ્ટાવાળાની ર જગ્યા ખાલી છે.
પશુપાલન વિભાગમાં ૪૭ જગ્યાઓ ખાલી હોવાથી તેની સીધી અસર પશુધન અને પશુપાલકો ઉપર પડે છે. પશુધનની જાળવણીને લઇને અનેક પ્રશ્નો ઉદભવે છે. પરંતુ પુરતો સ્ટાફ ન હોવાથી આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.
ખાનગી પશુ ડૉકટરોને બખ્ખા બોગસ ડૉકટરોનો પણ રાફડો
રાજકોટ જીલ્લામાં પશુપાલન વિભાગનાં પશુ ડોકટરોની સંખ્યા ખુબ ઓછી છે જેના કારણે ખાનગી પશુ ડોકટરોને તો બખ્ખા થઇ ગયા છે. સરકારી પશુ ડોકટરોની અછતના કારણે ખાનગી પશુ ડોકટરો એક વીઝીટના મન ફાવે તેટલા નાણા ઉઘરાવે છે. આ ઉપરાંત બોગસ પશુ ડકોરટોનું પ્રમાણ પણ વઘ્યું છે.
ડીગ્રી વગર માત્ર થોડા વર્ષોના અનુભવના આધારે પોતાની જાતને પશુ ડોકટર કહી અનેક લોકો પશુઓની સારવાર કરે છે અને બેફાર્મ પૈસા ઉધરાવે છે આમ બોગસ ડોકટરો દ્વારા પશુઓની સારવાર કરાતા તેના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થાય છે.