રાજકોટમાં હવે ખેતીની જમીન વેચવાની અથવા તો તેમાં ઉદ્યોગ સ્થાપવાની હોડ જામી છે. જેને પગલે વર્ષ 2023માં રાજકોટ જિલ્લામાં અધધધ 1.02 કરોડ ચો.મી.જમીન બિનખેતી થઇ છે. જો કે બિનખેતીનો હેતુ મલ્ટીપર્પઝ દર્શાવવામાં આવ્યો હોય, એટલે કેટલી જમીન ઉદ્યોગ માટે બિનખેતી થઈ તેનો સચોટ આંકડો જાણી શકાય તેમ નથી.
વર્ષ 2022માં 68,80,600 ચો.મી. જમીન બિનખેતી થઈ હતી, ગત વર્ષ 2023માં બિનખેતી થયેલી જગ્યામાં સીધો 50 ટકાનો ધરખમ ઉછાળો
બીજી તરફ બિનખેતીની અરજીઓનો નિકાલ કરવામાં રાજકોટ જિલ્લો ટોપ ઉપર રહ્યો છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિનાનો રેન્ક જોઈએ તો મોટા 10 જિલ્લાનું જે ગ્રુપ-1 છે એમાં રાજકોટ જિલ્લો પ્રથમ સ્થાને છે. ગત વર્ષે 2022માં જિલ્લામાં 68,80,600 ચો.મી. જમીન બિનખેતી થઈ હતી. જ્યારે આ વર્ષે 2023માં 1,02,31,599 ચો.મી. જમીન બિનખેતી થઈ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બિનખેતીના પ્રમાણમાં અંદાજે 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.
જ્યારે જિલ્લામાં ફાઈલોની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. વર્ષ 2022મા કલેકટર તંત્રને બિનખેતી માટે 1887 અરજીઓ મળી હતી. જ્યારે વર્ષ 2023માં 2453 બિનખેતીની અરજીઓ આવી હતી. બીજી તરફ છેલ્લા 3 વર્ષમાં કલેકટર તંત્ર દ્વારા 74.1 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ટાઈમ પિરિયડમાં તમામ અરજીઓનો નિકાલ કરવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. હાલ બિનખેતીની અરજીઓનો ધડાધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
બિનખેતીની અરજીઓમાં એક વર્ષમાં 30 ટકા જેટલો વધારો
કલેકટર કચેરીમાંથી મળતી વિગતો અનુસાર બિનખેતીની અરજીઓમાં એક વર્ષમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. વર્ષ 2022મા કલેકટર તંત્રને બિનખેતી માટે 1887 અરજીઓ મળી હતી. જ્યારે વર્ષ 2023માં 2453 બિનખેતીની અરજીઓ આવી હતી. આમ વર્ષેને વર્ષે બિનખેતી કરાવવાનું પ્રમાણ વધી રહ્યું છે.
સૌથી વધુ ગોંડલ અને કોટડા સાંગાણીતાલુકામાં જમીન બિનખેતી થઈ
છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ જોઈએ તો સૌથી વધુ ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં જમીન બિનખેતી થઈ છે. ખાસ કરીને ભરૂડી, રિબ, રિબડા, પરવડી, લોઠડા, શાપર તરફની જમીન વધારે પ્રમાણમાં બિનખેતી થઈ છે. આ વિસ્તારોની જમીન અત્યારે ઉદ્યોગોની પ્રસંદ પસંદગી બની રહી છે.
કલેકટર તંત્રની ઝડપી કામગીરી: આઉટ ઓફ ટાઈમ લિમિટમાં પેન્ડિંગ અરજીઓનું પ્રમાણ નહિવત
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના વડપણ હેઠળ કલેક્ટર તંત્ર દ્વારા બિનખેતીની ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આઉટ ઓફ ટાઈમ લિમિટમાં પેન્ડિંગ અરજીઓનું પ્રમાણ નહિવત રહ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ ગ્રીન ચેનલમાં 10 દિવસ, યલો ચેનલમાં 45 દિવસ મળી સરેરાશ 90 દિવસનો સમયગાળામાં બિનખેતીની કામગીરી હાલ પૂર્ણ કરવામાં આવી રહી છે.