રાજ્યમાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં ૫૦૦થી વધુ કોરોનાગ્રસ્ત, ૩૫ના મોત: અમરેલીના પ્રોબેશન આઇપીએસ સુરતમાં કોરોનાની ઝપટે
રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ ગઈ કાલે મોડી રાતે કોરોનામાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે.જ્યારે આજ રોજ વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે.રાજકોટ શહેરમાં અત્યાર સુધી કુલ ૮૮ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં ગઈ કાલે રેકોર્ડ બ્રેક ૫૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ ૩૫ દર્દીઓના મોત નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે લાંબા સમય સુધી કોરોના વાયરસથી વંચિત રહેલા અમરેલી જિલ્લાના પ્રોબેશનના આઇપીએસ ગાંધીનગર બાદ સુરત ફરજ બજાવવા જતા ત્યાં કોરોનાની ઝપટે ચડી ચૂક્યાંનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં કોરોના કહેર વધી રહ્યો હોય તેમ ગઈ કાલે મોડી રાત્રે વધુ એક કોરોના પોઝિટિવ વૃદ્ધાનો કોરોના વાયરસે ભોગ લીધો છે. નવ દિવસ પહેલા અમીનમાર્ગ પર રહેતા જસુમતીબેન નામના ૮૦ વર્ષના વૃદ્ધા ગત ૨૫મી મેં ના રોજ અમદાવાદ આવ્યા બાદ તેમણે રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેઓને સારવાર માટે આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નવ દિવસની સારવાર બાદ ગઈ કાલે મોડી રાત્રે વૃદ્ધાએ ચાલુ સારવારમાં દમ તોડતા શહેરમાં અત્યાર સુધી કુલ ૩ના કોરોનાએ ભોગ લીધા છે.
જ્યારે આજ રોજ રાજકોટમાં વધુ બે કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં બરોડાથી બે દિવસ પહેલા શહેરના રૈયારોડ પર શાંતિનિકેતન પાર્કમાં આવેલા સન્ની બારોટ નામના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કામ કરતી અને ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતી ભારતીબેન કારેલીયા નામની ૨૩ વર્ષની યુવતીની તબિયત લથડતા તેણીના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેનો આજ રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જ્યારે બહારના જિલ્લામાંથી આવેલા કોરોના સેમ્પલ માટે રાજકોટની ખાનગી લેબમાં પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં અમરેલીથી શંકાસ્પદ લાગતા યુવાનને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેઓનાં રિપોર્ટ અમદાવાદ ખાતેથી કોરોના પોઝિટિવ આવ્યાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં ગઈ કાલે ફરી કોરોનાનો કહેર નિકળ્યો હોય તેમ એક જ દિવસમાં રાજ્યમાં ૨૨ જિલ્લામાં ૫૦૦થી વધુ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૩૫ દર્દીઓના ભોગ કોરોના વાયરસે લીધાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૯ હજારને પાર પહોંચી છે. જ્યારે વધુ ૩૫ વ્યક્તિઓના કોરોનાએ ભોગ લેતા કુલ મૃત્યુઆંક ૧૨૦૦ની નજીક પહોંચી રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૩૪૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી ૧૩ હજારથી વધુ લોકોએ કોરોના સામેની જંગ જીતીને ઘર વાપસી કરી છે.
રાજ્યમાં સૌથી સુરક્ષિત અને સૌથી આખરે કોરોનાની ઝપટે આવનાર અમરેલી જિલ્લાના પ્રોબેશન આઇપીએસ સુશીલ અગ્રવાલ કોરોનાની કામગીરી અર્થે ગાંધીનગર ફરજ બજાવ્યા બાદ સુરત ફરજ બજાવવા માટે ગયા હતા. જ્યાં તેઓને કોરોનાનો ચેપ લાગતા તેઓને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.