કોરોના વાયરસના કેસ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વધી રહ્યા છે. ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ દિન-પ્રતિદિન મહામારીની સ્થિતિ બિહામણી બનતી જઈ રહી છે. વકરતા કોરોનાને કાબુમાં લેવા જાણે તંત્ર પણ હવે સક્ષમ રહ્યું ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિને એકલા હાથે સંભાળવાનું તંત્ર માટે શક્ય ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઠેર-ઠેર હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની તેમજ ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રનું ભારણ આવી પડતા સ્થિતિ વધુ વિકટ બની છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે તો સામે દર્દીની સંખ્યા સતત વધતી જઈ રહી છે. દર્દીઓએ એમ્બ્યુલન્સમાં જ સારવાર કરવાનો વારો આવ્યો છે. એવામાં દર્દીઓને રાહત આપતો રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ડોમ ઉભા કરવામાં આવશે.
પોઝિટિવ દર્દીઓનો આકડો શેરબજારના સેન્સેક્સની જેમ સડસડાટ વધી રહ્યો છે. પરંતુ ઘટી નથી રહ્યો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ખૂટી રહ્યા છે અને સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. ત્યારે આરોગ્ય તંત્રએ કોઈ દર્દીનું સારવારના અભાવે મોત ન નીપજે તે માટે સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ડોમ ઉભો કરી દર્દીઓને ઓક્સિજન સહીતની સારવાર આપવામાં આવશે. આ માટે જિલ્લા કલેક્ટર સહીતના તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે. ગ્રાઉન્ડમાં ડોમ નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પરથી લાગી આવે કે આખરે કોરોનાએ કેવી સ્થિતિ ઉભી કરી દીધી છે ?? તંત્રને પણ મજબુર કરી દીધું છે. દર્દીઓએ હવે બહાર પટાંગણમાં સારવાર મેળવવી પડશે.