મિત્રની સારવાર કરાવવા આવેલી નામચીન ત્રિપુટીએ મચાવ્યો આતંક: ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
શહેરમાં ગુનાખોરીઓએ જાણે તમામ હદ વટાવી દીધી છે. વધતા જતા મારામારીના બનાવો હવે છેક સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે. ત્યારે ગઇ કાલે રાત્રીના પોલીસ ચોપડે ચડી ચૂકેલા નાની ટિકિટ અને મોટી ટિકિટ સહિતની નામચીન ત્રિપુટીએ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં બઘડાટી બોલાવી તબીબોને ગાળો ભાંડી હતી. એટલું જ નહિ પરંતુ એક શખ્સ વોર્ડમાં ટેબલ પર સૂઈને ખેલ કરવા લાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે આતંક મચાવનાર ત્રિપુટીને સંકજામાં લઈ કાનૂની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.3માં રહેતાં રાહુલ પ્રભાત સભાડ (ઉ.વ.25) નામનો શખ્સ 80 ફુટ રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે હતો ત્યારે કોઈ કારણસર ઝઘડો થતાં ચાર શખ્સોએ તેને માર મારી છરીના ઘા ઝીંકયા હતાં. ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે બાબરીયા કોલોનીના નામચીન દિનેશ અરવિંદ ગોહેલ ઉર્ફે મોટી ટિકિટ (ઉ.વ.40) અને રણજીત અરવિંદ ગોહેલ ઉર્ફે નાની ટીકીટ (ઉ.વ.34) સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતાં.રાત્રે બે વાગ્યે સારવારમાં રાહુલને દાખલ કરવા પૂર્વે તબીબ તેને પ્રાથમિક તપાસ માટે ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યારે અન્ય દર્દીને તપાસતા સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબ ડો.વઘાસીયાને તાત્કાલીક રાહુલની સારવાર કરવા માટે નાની ટીકીટ અને મોટી ટીકીટ તેમજ રાહુલે બેફામ ગાળો ભાંડી હતી અને તબીબ ઉપર હુમલો કર્યો હતો. ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં આવેલા દિનેશ ઉર્ફે મોટી ટીકીટ, રણજીત ઉર્ફે નાની ટીકીટ અને રાહુલ સંભાડે ફરજ પરના તબીબ વઘાસીયા સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ તબીબ અને ફરજ પરના નર્સિંગ સ્ટાફે હોસ્પિટલ પોલીસ ચોકીને કરતાં પોલીસ ચોકીનો સ્ટાફ ઈમરજન્સી વિભાગમાં દોડી આવ્યો હતો. તબીબ સાથે માથાકુટ કરનાર દિનેશ ઉર્ફે મોટી ટીકીટ, રણજીત ઉર્ફે નાની ટીકીટ અને રાહુલને હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઓળખી લીધા હતાં.
હત્યા, મારામારી અને અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલા આ નામચીન ગુનેગાર હોય તાત્કાલીક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં સાઈબર ક્રાઈમના એસીપી વિશાલ રબારી તેમજ શહેરભરની પીસીઆરને જાણ કરતાં સાત જેટલી પીસીઆર વાન તાત્કાલીક હોસ્પિટલે પહોંચી હતી અને તબીબ સાથે માથાકુટ કરનાર ત્રિપુટીને ઝડપી લઈ પ્ર.નગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ત્રણેય વિરૂધ્ધ ચેપ્ટર કેસ કરવામાં આવ્યો હતો.