અબતક, રાજકોટ
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતા બાળકો જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવી જ ઘટના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના દસ વર્ષના ક્રીષ ગજેરા સાથે બની હતી. હસતો રમતો ક્રિષ સતત સાત દિવસ સુધી તાવ અને માથુ દુખવા સાથે પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નહોતો તેમજ હાથ પગ પણ ચલાવી શકતો નહોતો. તેને ધોરાજીથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને તેના રોગનું નિદાન થયું. જી.બી.એસ – ગુલીયન બારી સિનડ્રોમ.
ગુલીયન બારી સિન્ડ્રોમની બીમારીવાળો માસૂમ 80 દિવસ વેન્ટીલેટર પર રહ્યો તો
ગુલીયન બારી સિનડ્રોમ રોગ વિશે રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના ડો. પંકજ બુચ કહે છે કે, શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેકશન અને શરદી, ખાંસી જેવી તકલીફ આ રોગમાં જોવા મળે છે, જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જન્મે છે,પગથી અસર શરૂ થયા બાદ સમગ્ર શરીર,ગળું અને શ્વસનતંત્ર લકવાગ્રસ્ત થાય છે ત્યારે દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. માત્ર 14 દિવસની અંદર આ રોગ વધી જાય છે. અને તુરત જ સારવાર ના મળે તો દર્દી મૃત્યુ પણ પામી શકે છે.
રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા અનેક બાળકોને સઘન સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવવામાં સિવીલ સુપ્રિન્ટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીનું માર્ગદર્શન અને અમારા તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા અપાતી સારવાર અને માતા પિતા દ્વારા બાળકની લેવાતી કાળજી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમ ડો. બુચે ઉમેર્યું હતું.
આ વિષે વધુમાં જણાવતા ડો. ભૂમી ચાંગેલા કહે છે કે ગુલીયન બારી સિનડ્રોમવાળા બાળકોના ઈલેક્ટ્રો માયોગ્રામ, નર્વ કંડકશન વેલોસીટી અને મગજના પાણીની તપાસ કરી ઇમ્યુનો ગ્લોબીન થેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ તેમને વેન્ટિલેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી શ્વાસોચ્છવાસ કરાવવામાં આવે છે. આ સમયે ઘન ખોરાકને બદલે દર્દીને માત્ર નળી વાટે જ પ્રવાહી ખોરાક આપવામાં આવે છે. આ તમામ ટ્રીટમેન્ટ ક્રીષને પણ આપવામાં આવી હતી.
શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ રૂ. 80 હજાર થી રૂ. 1 લાખની કિંમતનું ઇન્જેક્શન બાળકના વજન મુજબ આપવામાં આવે છે. આ સિવાયની સારવારનો લગભગ રૂ. 8 હજાર જેટલો પ્રતિદિન થાય છે. એક બાળકના70 થી 90 દિવસના હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ રૂ. 2.50 લાખનો ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે, તેમ ડો. ભૂમી ચાંગેલાએ ઉમેર્યું હતું.
બાળકને વેન્ટિલેટર દ્વારા આપવામાં આવતા ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડનું લોહીમાં પ્રમાણ માપવા ઉપરાંત સ્વસ્થ થયા બાદ બાળકને ફિઝ્યોથેરાપી પણ આપવી પડે છે, સિવિલ હોસ્પિટલના ફિઝ્યોથેરાપી વિભાગના ડો. પારસ અને ડો. તૃપ્તિ દ્વારા ક્રીષને ફિઝીયોથેરાપી આપવામાં આવી છે. ક્રીષ હોસ્પિટલમાં દાખલ થયો તે દરમિયાન તેને ન્યુમોનિયા, ડેન્ગ્યુ જેવી તકલીફો થઈ પરંતુ હોસ્પિટલની કેરીંગ અને ડેડીકેટેડ સારવારને કારણે તે ઝડપથી સ્વસ્થ થયો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના કર્મનિષ્ઠ નર્સિંગ સ્ટાફ અનેરેસિડેન્ટ ડોક્ટરની મહેનતે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે.
ક્રીષ ગજેરાની 102 દિવસની કુલ સારવાર પૈકી 80 દિવસ સુધી તો તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વેન્ટીલેટરની સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી છે. તેના માતા-પિતાએ પણ કહ્યું કે, ક્રીશને ખાનગી હોસ્પિટલમાં પણ સિવીલ હોસ્પિટલ જેવી શ્રેષ્ઠ સારવાર ન મળી શકી હોત. સમયસર ડોક્ટર આવીને ચેક કરી જાય, સમયસર ભોજન – દુધ, મગનું પાણી, પ્રોટીનયુક્ત આહાર મળી રહેતા હતા.
આ બાળકને નવજીવન બક્ષવાનું શ્રેય કે.ટી. ચિલ્ડ્રન્સ હોસ્પિટલની સમગ્ર ટીમને ફાળે જાય છે. સામાન્ય પરિવારમાંથી આવતા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવી જરૂરિયાતમંદ લોકો પ્રત્યે કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત કર્યું છે.