- મંત્રી અરવિંદ રૈયાણી અથવા લાખાભાઇ સાગઠીયા બેમાંથી ગમે તે એકને જ રિપીટ કરાશે: ચાર બેઠકો પૈકી કોઇપણ એક બેઠક પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવાની ભાજપની વ્યૂહરચના
- મહિલા ઉમેદવાર તરીકે ડો.દર્શિતાબેન શાહ, બિનાબેન આચાર્ય, કાશ્મિરાબેન નથવાણી, ભારતીબેન પરસાણા, ભાનુબેન બાબરિયા અને રક્ષાબેન બોળીયાના નામોની ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા આજ સાંજથી બે દિવસ ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસની બેઠક મળનાર છે. તે પૂર્વે ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નિવાસસ્થાને મળેલી મેરેથોન બેઠકમાં ઉમેદવારોની પસંદગી માટેની ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટની ચાર બેઠકોની વાત કરવામાં આવે તો ત્રણ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર સત્તાધારી પક્ષ કાતર ફેરવી દેશે તેવી ચર્ચા થઇ રહી છે. આ ઉપરાંત કોઇ એક બેઠક માટે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે તે ફાઇનલ મનાઇ રહ્યું છે. મંત્રી અરવિંદભાઇ રૈયાણી અથવા લાખાભાઇ સાગઠીયા એમ બેમાંથી કોઇ એકને રિપીટ કરવામાં આવશે. તેવું મનાઇ રહ્યું છે.
અગાઉ એવી વાત વહેતી થઇ હતી કે રાજકોટની ચાર પૈકી બે બેઠકો પર ભાજપ વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરશે તેમાં રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને ફરી ટિકિટ મળશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ ગઇકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નિવાસસ્થાને મળેલી ‘મેરેથોન બેઠક’ બાદ થોડા સમીકરણો ફર્યા છે. મહાનગરમાં ફરજીયાત પણે એક ટિકિટ મહિલાને આપવું તેવું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નિયમના આધારે હવે ભાજપ રાજકોટની ચાર પૈકી ત્રણ બેઠકો પર સિટીંગ ધારાસભ્યની ટિકિટ પર કાતર ફેરવશે તે નિશ્ર્ચિત બની ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલની ટિકિટ કપાઇ તે ફાઇનલ મનાઇ રહ્યું છે. દરમિયાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી અથવા લાખાભાઇ સાગઠીયા બેમાંથી ગમે તે એકને ટિકિટ મળશે અને એક ધારાસભ્યની ટિકિટ કપાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટની કોઇ એક બેઠક પરથી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવાની વાત ચાલી રહી છે. આવામાં 68-રાજકોટ પૂર્વ બેઠક પર જો મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાનું નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યું છે. ઓબીસી સમાજ સાથે એક મહિલા દાવેદાર પણ સચવાઇ જાય તે માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી શકે છે. જો 69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો જૈન સમાજમાંથી આવતા અને હાલ રાજકોટ મહાનગર પાલિકાના ડે.મેયર તરીકેની જવાબદારી નિભાવતા ડો.દર્શિતાબેન શાહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
આ બેઠક માટે અન્ય બે નામો પણ ચર્ચામાં છે. જેમાં પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય અને રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મિરાબેન નથવાણીનું નામ બોલાઇ રહ્યું છે. 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવારને ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા નહિંવત છે છતાં આ બેઠક પર જો મહિલા ઉમેદવારને લડાવવાનું છેલ્લી ઘડીએ નક્કી કરવામાં આવે તો કોર્પોરેટર ભારતીબેન પરસાણાનું નામ હાલ ચર્ચાઇ રહ્યું છે. જો રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપરાંત બાલુબેન મકવાણાનું નામ ચર્ચામાં છે. એક વાત નિશ્ર્ચિત છે કે રાજકોટની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકો પર ભાજપ સિટીંગ ધારાસભ્યની ટિકિટ પર કાતર ફેરવશે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપ મંત્રી અરવિંદ રૈયાણીને રિપીટ કરે છે કે પછી લાખાભાઇ સાગઠીયા પર વધુ વિશ્ર્વાસ વ્યક્ત કરશે.
સૌરાષ્ટ્ર માટે હાઇકમાન્ડે ત્રણ થી ચાર પાટીદાર મહિલાઓના નામ છેલ્લી ઘડીએ મંગાવતા દોડધામ
સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર ભાજપના પ્રતિક એવા કમળ પર ચૂંટણી લડવા પાટીદાર સમાજ દ્વારા દાવેદારી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગે પુરૂષ ઉમેદવારો દ્વારા જ દાવેદારી કરવામાં આવી હોય ગઇકાલે દિલ્હી ખાતે મળેલી બેઠક બાદ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ હોય તેવી બેઠક પર ત્રણ થી ચાર મહિલાઓના નામ મંગાવતા છેલ્લી ઘડીએ ભાજપમાં દોડધામ મચી જવા પામી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જૂનાગઢના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા ભાવનાબેન ચીખલીયા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જશુબેન કોરાટ પછી ભાજપે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાંથી આવતી એકપણ મહિલાને વિધાનસભાની ટિકિટ જંગમાં ઉતારી નથી. આ વખતે પણ સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી પાટીદાર સમાજ જે બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે ત્યાં પુરૂષ ઉમેદવાર સાથે પાટીદાર સમાજની મહિલાઓના નામ પણ મોકલવા માટે સ્થાનિક સંગઠનને જાણ કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછા ચાર નામો મોકલવા હાઇકમાન્ડે આદેશ કર્યો છે. જેમાં શક્ય હોય તો બે લેઉવા પટેલ સમાજની મહિલાઓ અને બે કડવા પટેલ સમાજની મહિલાઓના નામ મોકલવા તાકીદ કરાઇ છે.