શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલી એસ.જી.આંગડીયા પેઢીના કર્મચારીએ રૂા.30 લાખ ચાઉ કરી જવા પિતરાઇ સાથે મળી લૂંટનું તરકટ રચ્યાની ગણતરીની કલાકોમાં ભાંડો ફુટી ગયો છે. રૂા.30 લાખની રોકડ સાથેનો થેલો સાચવનાર યુવકને પોલીસ પકડવા જતા એસિડ પી આપઘાત કરી લીધો છે. ડમ્પરના હપ્તા ચડી જતા લૂંટનું તરકટ રચ્યાની યુવકે કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ પર માધવ રેસીડેન્સીમાં રહેતા અને બાલાજી હોલ પાસે એસ.જી. આંગડીયા પેઢી ધરાવતા નિલેશભાઇ મનસુખલાલ ભાલોડીએ પોતાની ઓફિસમાં કામ કરતા કર્મચારી સંજય અંબાવી ભીમાણી સામે રૂા.30 લાખ ચાઉ કરી જવા પિતરાઇ વિમલ સાથે તરકટ રચ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.150 ફુટ રીંગ રોડ પર બાનસુરી પેલેસ વીંગ-એમાં રહેતા સંજય ભીમાણી એક માસ પહેલાં નિલેશભાઇ ભાલોડીની એસ.જી.આંગડીયા પેઢીમાં નોકરી પર રહ્યો હતો.
ગઇકાલે બપોરે સંજયને કાલાવડ રોડ પરની એકસિસ બેન્કમાં રૂા.30 લાખ ઉપાડવા મોકલ્યો હતો. સંજય ભીમાણીએ રૂા.30 લાખ બેન્કમાંથી ઉપાડી જઇ રહ્યો હતો ત્યારે મોટામવા નજીક એક્સેસ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ છરી બતાવી રૂા.30 લાખની રોકડ સાથેનો થેલો ઝુંટવી ગયાની આંગડીયા પેઢીના માલિક નિલેશભાઇ ભાલોડીને જાણ કરતા તેઓએ તાલુકા પોલીસમાં લૂંટ અંગેની જાણ કરી હતી.તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી.ધોળા અને પીએસઆઇ ડમોર સહિતના સ્ટાફને લૂંટની ઘટના ગળે ન ઉતરતા સંજય ભીમાણીની એક્સિસ બેન્કમાંથી પૈસા ઉપાડી કાલાવડ રોડથી બાલાજી હોટ જવા માટે 150 ફુટ રીંગ રોડ પર ચાલવાના બદલે મોટામવા સ્મશાન તરફ કેમ નીકળ્યો તે અંગે પૂછપરછ કરતા સંજય ભીમાણી ભાંગી પડયો હતો અને ખરેખર લૂંટ ન થયાની કબુલાત આપી હતી.સંજય ભીમાણી રેતીનો ધંધો કરવા માટે ડમ્પર ખરીદ કર્યુ હતુ.
પરંતુ ધંધો ન ચાલતા ડમ્પરના હપ્તા ચડી જતા દેણું વધી ગયું હોવાથી પોતાના પિતરાઇ વિમલની સાથે મળી આંગડીયા પેઢીના રૂા.30 લાખ ચાઉ કરી જવા તરકડ રચ્યાની અને બેન્કમાંથી રૂા.30 લાખ ઉપાડી પિતરાઇ વિમલને સોપી દીધા હતા.વિમલે નવાગામ ખાતે આવેલા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ ખાતે પોતાના મિત્ર કેતન સદાદીયાને રૂા.30 લાખની રોકડ સાથેનો થેલો સાચવવા આપ્યો હતો.
સંજય ભીમાણીએ લૂંટની ખોટી સ્ટોરી બનાવ્યાની પોલીસ સમક્ષ કબુલાત આપ્યા બાદ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ નવાગામ ખાતે કેતન સદાદીયા પાસે રોકડ સાથેનો થેલો કબ્જે કરવા ગયા ત્યારે પોલીસને જોઇ કેતન સદાદીયાએ કારખાનામાં એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મિત્રને દેણાથી બચાવવા લૂંટના તરકટમાં સાથ આપનાર યુવાને પોલીસ ધરપકડના ડરથી એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.