રાજકોટમાં ઇંડાની લારીએ પોલીસમેનના ભાઈએ કરી તોડફોડ
રાજકોટ શહેરમાં ગઇકાલ રાત્રિના સમયે હેમુ ગઢવી હોલ પાછળ આવેલ ઇંડાની લારીમાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેનના ભાઈ સહિત તેના સાત મિત્રોએ ઇંડાંની લારીએ નાસ્તો કર્યા બાદ ઇંડાંની લારીના સંચાલકે માત્ર 120રૂપિયાનું બીલ માગતા ” મને નથી ઓળખતો મારો ભાઈ પોલીસમાં છે” તેમ કહી પોલીસમેનના ભાઈઓ અને તેના મિત્રો સાથે મળી લારી સંચાલકના 12 વર્ષના પુત્રને ધોકા માર્યા હતા અને ઈંડા ની લારી માં પણ તોડફોડ મચાવી હતી.જ્યારે માસૂમને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગતો મુજબ હેમુ ગઢવી હોલ પાસે ઇંડાંની લારી રાખીને ધંધો કરતાં રજાક પીપરવાડિયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે 11 વાગ્યાના અરસામાં પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ધમભા ઝાલાના ભાઈ ગજુભા અને તેના 7 અજાણ્યા શખ્સ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી સંચાલક રજાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાના ભાઈએ “મને નથી ઓળખતો મારો ભાઈ પોલીસમાં છે” કહી રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી સંચાલક રજાકના 11 વર્ષના હૈદર પર ધોકા વડે તૂટી પડ્યા હતા અને પુત્રને બચાવવા દોડેલા રજાક પીપરવાડિયાને પણ પોલીમેનના ભાઈ સહિતનાઓએ ઢોર માર માર્યો હતો, ઉપરાંત ઝઘડો કરી લુખ્ખા તત્વોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળ્યા હતા અને ખુરશી ટેબલને પણ લાતો મારી તોડફોડ મચાવી રોફ જમાવ્યો હતો જ્યારે હૈદરને ઇજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત નું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.