જંકશન પ્લોટમાં ગંગા કંગન સ્ટોરે બે દિવસ પહેલાં બુટલેગરની પત્ની અને મૃતકના પુત્ર વચ્ચે થયેલા ઝઘડાની ફરિયાદ પાછી ખેચવાના પ્રશ્ર્ને ઢીમઢાળી દીધું
સમગ્ર સૌરાષ્ટ્રને વિદેશી દારૂ પુરો પાડતા મોટા ગજાના બુટલેગરની પત્ની અને સાળીની હત્યાના ગુનામાં ધરપકડ: મૃતક અને બુટલેગરની પત્નીના મામા વચ્ચેના સુવાળા સંબંધોના કારણે હત્યા થયાની ચર્ચા
શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી રાધિકા ડેરી પાછળ ગામેતી એપાર્ટમેન્ટની મહિલા પર નામચીન બુટલેગર, તેની પત્ની અને સાળીએ બે દિવસ પહેલાં થયેલા ઝઘડા અંગેની ફરિયાદ પાછી ખેચવાના પ્રશ્ર્ને માથામાં કુકર અને પાઇપ મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. મૃતક અને બુટલેગરની પત્નીના મામા વચ્ચેના સુવાળા સંબંધોના કારણે હત્યા થયાની શંકા સાથે પોલીસે પોલીસે તપાસ હાથધરી છે. નામચીન બુટલેગરની પત્ની અને સાળીની ધરપકડ કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા શેરી નંબર ૧૪માં આવેલી રાધિકા ડેરી પાછળ ગામેતી એપાર્ટમેન્ટમાં રહેતી હમીદાબેન સલીમભાઇ રૂજા નામની ૪૫ વર્ષની મહિલાના ઘરે જઇ બજરંગવાડીમાં રહેતા નામચીન બુટલેગર યાકુબ મુસા મોટાણી, તેની પત્ની અનિશા ઉર્ફે ફાતમા યાકુબ મોટાણી અને યાકુબની સાળી પરવીન ઉર્ફે હકુએ પાઇપ અને કુકર મારી હત્યા કર્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મૃતક હમીદા રૂજાને પતિ સલીમ સાથે માથાકૂટ થતાં ત્રણેક વર્ષ પહેલાં સલીમથી અલગ રહે છે અને બુટલેગર યાકુબ મુસાના ઘરે ઘરકામ કરવા જતી હતી ત્યારે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા બજરંગવાડીના યાકુબ મુસાની પત્ની અનિશા ઉર્ફે ફાતમા બે દિવસ પહેલાં જંકશન પ્લોટમાં ગંગા કંચન સ્ટોરમાં ખરીદી કરવા ગઇ ત્યારે ત્યાં નોકરી કરતા હમીદાના પુત્ર અસ્પાક સાથે હમીદાના સંબંધો અંગે થયેલી ટીપણીના કારણે બોલાચાલી થતાં અનિશા ઉર્ફે ફાતમાએ અસ્પાકને ગંગા કંચન સ્ટોરમાં જ લાફા મારી દેતા પ્ર.નગર પોલીસમાં અરજી આપવામાં આવી હતી.
અસ્પાક રૂજાએ બુટલેગર યાકુબ મુસાની પત્ની અનિશા ઉર્ફે ફાતમા વિરૂધ્ધમાં આપેલી અરજી પાછી ખેચી લેવા માટે યાકુબ મુસા, તેની પત્ની અનિશા ઉર્ફે ફાતમા અને યાકુબની સાળી પરવીન ઉર્ફે હકુ પોપટપરામાં સમજાવવા ગયા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા યાકુબ મુસાએ હમીદાને પાઇપ મારતા પોતાની માતા હમીદાને બચાવવા અસ્પાક વચ્ચે પડી યાકુબ મુસા પર હુમલો કરતા થયેલી ઝપાઝપી દરમિયાન પરવીન ઉર્ફે હકુએ હમીદાને પકડી રાખી હતી અને અનિશા ઉર્ફે ફાતમાએ તેણીના જ ઘરમાંથી કુકર લઇ માથામાં માર્યુ હતુ. યાકુબ મુસાએ અસ્પાકના ડાબા હાથમાં પાઇપ મારી ત્રણેય ભાગી ગયા હતા.
માથામાં કુકર લાગતા ગંભીર રીતે ઘવાયેલી હમીદા અને તેનો પુત્ર અસ્પાકને સારવરા માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હમીદા રૂજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મોડીરાતે તેણીનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પ્ર.નગર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. બોરીસાગર અને એએસઆઇ હરેશભાઇ રત્નોતર તેમજ સુરેશભાઇ જોગરાણા સહિતના સ્ટાફે હમીદા રૂજાની હત્યાના ગુનામાં અનિશા ઉર્ફે ફાતમા અને તેની બહેન પરવીન ઉર્ફે હકુની ધરપકડ કરી બુટલેગર યાકુબ મુસાની શોધખોળ હાથધરી છે.