ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો: ત્રણ દિવસમાં શહેરમાં બીજી લોથ ઢળતા ખળભળાટ
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા રોણકી ગામમાં પૈસાની ઉઘરાણી મુદ્દે પાડોશમાં રહેતા શખ્સે છરીનો ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યોની ઘટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોધાઇ છે. પીઆઇ કે.એ. વાળા સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. શહેરમાં ત્રણ દિવસમાં બીજી લોથ ઢળતા ખળભળાટ મચી જવા પામી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂજબ મોરબી રોડ પર રોણકી ગામે રહેતા અને સાડીના કારખાનામાં કામ કરતા અશોક છગનભાઇ રાઠોડ નામના ૩૦ વર્ષનો યુવાન ગત રાતે પોતાના ફળિયામાં સૂતો હતો ત્યારે પાડોશમાં રહેતા અનિલ કેશુ ઝીંઝુવાડીયાએ આવી છરીના ઘા મારતા અશોક રાઠોડે બુમાબુમ કરી હતી. ચીસો સંભાતતા યુવાનના ઘરના બહાર દોડી આવતા અનિલ ઝીંઝુવાડિયા નાસી ગયો હતો.અશોક રાઠોડને લોહિયાળ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂકી સારવારમાં જ યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પીઆઇ કે.એ. વાળા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી મૃતકના પિતા છગનભાઇ રાઠોડની ફરિયાદ પરથી અનિલ ઝીઝુવાડિયા સામે હત્યાનો ગૂનો નોધી ગણતરીની કલાકોમાં હત્યારાને ઝડપી પાડયો હતો.પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મૂજબ થોડા સમય પહેલા અશોકે આરોપી અનિલ પાસેથી પૈસા ઉછીના લીધા હતા. જેની ઉઘરાણી બાબતે અન્લિે ગઇ કાલે ઉશ્કેરાઇ જઇ અશોકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાનુ જાણવા મળ્યુ છે.મૃતક અશોક રાઠોડ સાડીના કારખાનામાં કામ કરતો હોવાનું અને સંતાનમાં એક પૂત્ર અને એક પુત્રી હોવાનુ અને પત્નિ રિસામણે જતી રહી હોવાનુ જાણવા મળ્યુ છે. ત્રણ દિવસ પહેલા ઘટેશ્ર્વરમાં પુત્રએ જ જનેતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ બીજા હત્યાના બનાવથી ખળભળાટ મચી જવા પામી છે.