મહિલાને બચાવવા જતા પતિ અને સંતાનો પણ દાઝયા
રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ગઈ કાલે અગન ખેલ ખેલાયો છે. જેમાં ઘર કંકાસના કારણે મહિલાએ અગન ખેલ ખેલતા પતિ સહિત બે સંતાનો પણ દાઝયા હતા. જેમાં ગઈ કાલે ગંભીર રીતે દાઝતા પત્નિનું મોત થયું હતું. જ્યારે મહિલાને બચાવવા જતા પતિ અને બે સંતાનો પણ દાઝયા હતા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ડી વિંગના છઠ્ઠા માળે હજુ 20 દિવસ પહેલા જ રહેવા આવેલા પરિવારમાં અગન ખેલ ખેલાયો હતો. જ્યાં રહેતા યોગીરાજસિંહ સરવૈયાના પત્નિ વર્ષાબા સરવૈયાએ ઘર કંકાસના કારણે અગ્નિસ્નાન કરી લીધું હતું. પત્નિને બચાવવા જતા પતિ યોગીરાજસિંહ, તેમના પુત્રી કૃતિકબા અને પુત્ર ઉર્વરાજસિંહ પણ દાઝયા હતા. ગંભીર રીતે દાઝેલા વર્ષાબાએ ગઈ કાલે જ દમ તોડ્યો હતો. જ્યારે પતિ અને બંને સંતાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતા સાંજના 6 વાગ્યા આસપાસ આ અગન ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઘરકંકાસ કારણભૂત હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. સારવારમાં રહેલા યોગીરાજસિંહની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઘરમાં હતા એ સમયે બાળકો સુતા હતા અને ત્યારે પત્નિએ જાતે અગ્નિસ્નાન કર્યું હતું. સમગ્ર મામલે આત્મહત્યા જ છે કે પછી આકસ્મિક આગ છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરવૈયા પરિવાર હજુ 20 દિવસ પહેલા જ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેવા આવ્યા હતા. જ્યાં અગન ખેલ ખેલાતા પરિવારમાં અરેરાટી મચી છે.