ફાયનાન્સ પેઢી અને બેન્ક દ્વારા સીઝ કરાયેલા વાહન હરરાજીમાં ખરીદ કરી બોગસ આરસી બુક બનાવી વેચાણ કરતા ત્રણ શખ્સો ઝડપાયા
શહેરના મોરબી રોડ પર આવેલા ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસેના ડેલામાં બોગસ આરસી બુક બનાવી હરરાજીમાં ખરીદ કરેલા વાહનો વેચવાનું કૌભાંડ ચાલતું હોવાનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પર્દાફાસ કરી ત્રણ શખ્સોને જુદા જુદા વાહનની 31 આરસી બુક કબ્જે કરી છે. કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયું છે. અને કેટલા સમયથી કૌભાંડ ચલાવી રહ્યા છે. તે અંગેની ઉંડી તપાસ હાથધરવામાં આવી છે.
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરા શેરી નંબર 5માં રહેતા અમીન ગફાર આકબાણી, દુધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમા રહેતા આરિફ હબીબ દોઢીયા અને માધાપર ચોકડી પાસે સુંદરમ સિટીમાં રહેતા બાબાભાઇ ઉર્ફે પ્રદિપભાઇ મોહનભાઇ ઝાલા નામના શખ્સો મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે ડેલમાં રિક્ષા લે-વેચના ધંધાની સાથે જુદા જુદા વાહનની આરસી બુક બોગસ બનાવી ફાયનાન્સ પેઢી અને બેન્ક દ્વારા સીઝ કરાયેલા વાહનનનું વેચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે પી.આઇ. જે.વી.ધોળા, પી.એસ.આઇ. એમ.જે.હુણ, એએસઆઇ સી.એમ.ચાવડા, હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઇ રતન, દિપકભાઇ ચૌહાણ અને વિજયબાઇ મહેતા સહિતના સ્ટાફે મોરબી રોડ પરના ગોડાઉનમાં દરોડો પાડયો હતો.
ત્રણેય શખ્સો પાસેથી જુદા જુદા વાહનની 31 જેટલી આરસી બુક મળી આવી હતી જે તમામ બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્રણેય શખ્સો એક બીજાની મદદથી ફાયનાન્સ પેઢી અને બેન્ક દ્વારા સીઝ કરાયેલા વાહન હરરાજીમાં ખરીદ કરી વાહનના મુળ માલિક પાસેથી આરસી બુક મેળવ્યા વિના બોગસ આરસી બુક તૈયાર કરી બારોબાર વેચી નાખવાનું અને વાહન સ્ક્રેપમાં દઇ બોગસ આરસી બુકને ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. બોગસ આરસી બુક કંઇ રીતે તૈયાર કરતા અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. તેમજ અત્યાર સુધીમાં કેટલી આરસી બુક બોગસ બનાવી તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.