વિદ્યાનગરમાં આવેલી સોમનાથ સ્ટીલ ટ્રેડર્સના વેપારી સામે ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટના વિધ્યાનગરમાં આવેલ સોમનાથ સ્ટીલ ટ્રેડર્સ નામની પેઢીના માલીકે ભંગારનાં વેચાણના વ્યવહારો ન કર્યા હોવા છતા બોગસ બિલો બનાવી રૂ.૩૨.૨૦ લાખની કર ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા વેપારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગત મુજબ રૈયારોડ પર મહાદેવ પાર્કમાં રહેતા વેરા અધિકારી પ્રીતેશભાઈ મીઠાલાલ દુધાત ઉ.૨૮એ એ. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વિધ્યાનગર શેરી ૨માં આવેલી સોમનાથ સ્ટીલ ટ્રેડર્સ નામની પેઢીના માલીક અનંતકુમાર ગોરીશંકર મહેતા નામના વેપારીએ ટીન નંબર મેળવી ટીન નબરમાં ભંગારના વેચાણ અંગેની નોંધણી કરાવી તેઓએ વેચાણના વ્યવહારો કર્યા ન હોવાના છતા માત્ર બીલો આપી તેમાં વેરો ઉધરાવી વેટ કાયદાની જોગવાઈનાં ભંગ કરી રૂ. ૩૨૨૦૭૯૬નો વેરો ગેરકાયદે ઉધરાવી કરચોરી કરી સરકાર સાથે છેતરપીંડી કરી સરકારની આવકમાં નુકશાન કરતા ફરિયાદ એ. ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે. બનાવના પગલે પીએસઆઈ એ.જી. અબાસણાએ વેપારી સામે કર ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.