સિક્યુરિટી પેટે રકમ ડિપોઝિટ કરાવી રૂ.11 લાખની કરી છેતરપિંડી
રાજકોટ અને નડિયાદની કંપનીનાં માલિકો અને મેનેજર સામે ભક્તિનગર પોલીસમાં નોંધાતા ગુનો
અબતક,રાજકોટ
આધુનિક યુગમાં ઠગ પણ હવે આધુનિક થઈ ગયા છે.ઠગ લોકોને સોશિયલ મીડિયા ના માધ્યમથી અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી છેતરી પૈસા પડાવે છે ત્યારે એવી જ એક ઘટના રાજકોટમાં પોલીસ ચોપડે પ્રકાશમાં આવી છે જેમાં ઓનલાઇન બારકોડ ડેટા એન્ટ્રી ના નામે ગોંડલ રોડ પર આવેલ પ્લેનરી માર્કેટમાં ત્રીજા માળે એક્યુરેટ સોલ્યુશન નામની ઓફિસના પ્રોપરાઇટર અને મેનેજરએ વકીલ સહિત 11 લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા 11 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાતા પોલીસે રાજકોટ અને નડિયાદની કંપનીના માલિકો અને મેનેજરો સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.
વિગતો મુજબ ફરિયાદી વકીલ ભાવેશભાઈ વાઘેલાએ પોલીસને જણાવ્યું છે કે તે ઘર નીચે જ એક દંતાય એસોસિએટ્સ નામે ઓફિસ ધરાવે છે અને ટેકસ ક્ધસલ્ટન્ટ એડવોકેટ તરીકે કામ કરે છે. 2021માં તેના ઘરે આવેલા સબંધી બિસ્ટભાઈએ વાત કરી હતી કે તેનો દીકરો પ્રશાંત ઓનલાઈન બારકોડ ડેટા એન્ટ્રીનું કામ કરી દરરોજ 700 રૂપિયા કમાય છે. આથી તેણે પ્રશાંતનો સંપર્ક કરી પોતાને બારકોડ એન્ટ્રીનું કામ કરવું છે. તેમ જણાવતા તે અને પ્રશાંત બન્ને તા.10 નવેમ્બર 2021ના રોજ પ્લેનરી આર્કેડમાં ત્રીજા માળ સ્થિત એક્યુરેટ સોલ્યુશનની ઓફિસે જ્યાં બ્રાન્ચ મેનેજર આરોપી સંદીપ ઠાકુરએ કુલ 12 પ્રોજેકટ હોવાનું અને એક બારકોડની એન્ટ્રી સાચી હોય તો એક રૂપિયો અને ખોટી હોય તો એક રૂપિયો કટ થઈ જાય તેમ જાણવા મળ્યું હતુ.આ કંપનીમાં સિક્યુરિટી પેટે ડિપોઝીટ કરવી પડશે એમ કહ્યું હતું.અને ડિપોઝિટ બાદ પ્લે સ્ટોરમાંથી એક એપ ઈન્સ્ટોલ કરવાની હતી. અને તે પૈસા 15 દિવસમાં વોલેટમાં જમા થઈ જશે તેવું જણાવ્યું હતું અને તેઓ તેને એક મહિના બાદ પોતાના એકાઉન્ટમાં જમા કરી શકશે.
જેથી તેમને આરોપીના વિશ્વાસમાં આવી રૂ.1.70 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી કામકાજ શરૂ કર્યું હતું. જેથી બાદ આરોપીએ તેમને 11 માસનો એક કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ પણ સહી કરાવ્યો હતો. જેથી કામકાજ શરૂ કર્યા બાદ પણ પૈસા જમા થતા ન હતા.જેથી તેને અક્યુરેટ કંપનીના પ્રોપરાઇટર હેતલ પ્રજાપતિ, મેનેજર સંદીપ ઠાકોર નો સંપર્ક કર્યો હતો પરંતુ તે છેતરાઈ ગયા હોવાનું જાણવા મળતાં તેને પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
જેમાં પોલીસને તપાસ કરતા કુલ 11 લોકો સાથે છેતરપિંડી થયા હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં ભાવેશભાઈ ઉપરાંત અન્ય લોકોમાં જાની કૈલાશભાઈ જીતેન્દ્રભાઈ એ 25 હજાર, જોષી નિશાંતભાઈ મહેશભાઈએ 1 લાખ, ચોવટીયા ચેતનભાઈ જમનભાઈએ 76 હજાર, ગુગ મનીષભાઈ રામસીંગભાઈએ 1.65 લાખ, ગોહેલ હિતેષભાઈ ગોપાલજીભાઈએ 1 લાખ, ગઢવીદેવેનભાઈ બિપીનભાઈ 75 હજાર, ઘીયા હર્ષભાઈ આરએ 27500, વાગડીયા મીતભાઈએ 15500, હર્પીતભાઈ એસ. પાઉંએ 40 હજાર અને મોહિતભાઈ મુલતાનીએ 15500ની રકમ ડિપોઝીટ કરી હતી.અને પોતાની રકમ ગુમાવી હતી જેથી પોલીસે તેમની ફરિયાદ પરથી અક્યુરેટ કંપનીના પ્રોપરાઇટર હેતલ પ્રજાપતિ, મેનેજર સંદીપ ઠાકોર નડિયાદની કંપની માસ્ટર સોલ્યુશનના માલીક અને તેના મેનેજર સામે ગુનો નોંધી તેની સોધખોલ હાથધરી છે.