શર્ટના બટન ખોલીને જાહેરમાં બઘડાટી બોલાવતા શખ્સ સામે ફરજમાં રૂકાવટનો નોંધાતો ગુનો
શહેરના લોધાવાડ પોલીસ ચોકી પાસે રોડ ઉપર બાઇક પર માસ્ક પહેર્યા વગર નીકળનાર શખ્સને પોલીસે અટકાવી દંડની કાર્યવાહી કરતા શખ્સે સરાજાહેર ધમાલ મચાવી શર્ટના બટન ખોલી નાખી પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી ગળો દઇ ધમકી આપી પોલીસમેનને કપાળના ભાગે કોઇ વસ્તુ મારી ઇજા કરતા સારવાર લેવી પડી હતી. પોલીસે શખ્સ સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
એ-ડિવિઝન પોલીસે આ મામલે હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ખીહડીયાની ફરિયાદ પરથી કૌશલ રમેશભાઇ મછોયા (રહે. કનકનગર શેરી નં.૬)ની સામે ફરજમાં રૂકાવટ, ધમકી સહિતની કમલ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, શૈલેષભાઇ અન્ય પોલીસ સ્ટાફ હેડકોન્સ્ટેબલ નિર્મળસિંહ અને ટ્રાફિક બ્રિગેડ સહિતની સાથે સાંજે લોધાવડ પોલીસ ચોકી પાસે રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળનાર સામે કાર્યવાહી કરતા હતા. તે સમયે બાઇક પર નીકળેલા આરોપી કૌશલ અને તેની સાથેની એક યુવતીને માસ્ક પહેર્યા વગર નીકળતા અટકાવ્યા હતા. જેથી આરોપી તેનું બાઇક સાઇડમાં પાર્ક કરી પોલીસ સ્ટાફ પાસે આવતા તેને માસ્કનો રૂ.૨૦૦ દંડ ભરવો પડશે તેમ કહેતા આરોપીએ ‘મારી પાસે માસ્ક કે રૂમાલ નથી તો મારે શું કરવું, હું મારા પહેરેલા શર્ટને કાઢી માસ્ક તરીકે મોઢા ઉપર બાંધી લઉ’ કહી જાહેર રોડ ઉપર ધમાલ મચાવી શટસ્ના બટન ખોલવા લાગ્યો હતો.
જેથી પોલીસે આમ કરવાની ના પાડતા રોડ ઉપર જ આરોપી ગાળો બોલી બુમાબુમ કરવા લાગ્યો હતો. તેમજ પોલીસ સ્ટાફને જોઇ લઇ જાનથી મારી નાખીશ જણાવી ધમકી આપવા લાગ્યો હતો. આથી પોલીસે તેને ચોકીમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને તેના હાથમાં રહેલી કોઇ વસ્તુ પોલીસમેનના માથે કપાળના ભાગે મારી દેતાં ઇજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. એટલું જ નહીં કાનના પાસે નખના ઉઝરડાથી પણ ઇજા કરતા અન્ય પોલીસ સ્ટાફે તેને ખુરશી પર બેસાડી દીધા હતા. આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કૌશલ મછોયા હોવાનું જણાવતા તેને પોલીસ વાટનમાં બેસાડી પોલીસ મથકે લવાયા બાદ તેની સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. બીજી તરફ ઘટનાને પગલે ઇજાગ્રસ્ત પોલીસમેનને સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જયાં તેમને ઓ.પી.પી. સારવાર અપાઇ હતી. હાલ પોલીસે વધુ તપાસ જારી રાખી છે.