Abtak Media Google News

અંધશ્રદ્ધામાં ચૂર મહિલાને નશાયુક્ત પાણી પીવડાવી ગઠિયો દાગીના સેરવી ગયો: શકમંદોને પોલીસે ઉઠાવી લીધા

વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં હજુ પણ લોકો અંધશ્રદ્ધાના શિકાર બની રહ્યા છે. જેના કારણે ગઠિયાઓ લોકોને ભ્રમિત કરી તેઓની મરણમૂડી તફડાવી જતા હોવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. તેઓ જ એક કિસ્સો રાજકોટમાં પણ બન્યો છે. જેમાં રામનગર વિસ્તારમાં રહેતી મહિલાને બીમારી દૂર કરવાનું કહી નશાયુક્ત પ્રવાહી પીવડાવી સોના-ચાંદીના રૂ.૫.૮૧ લાખના દાગીના તફડાવી સાધુ ફરાર થઈ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં બાપા સીતારામ ચોક
, રામનગર-૧માં રહેતી હેતલબેન નિલેશભાઇ લાઠિયા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૧૮મી રોજ બપોરે ઘરે હતી. ત્યારે એક સાધુ પાણી પીવાના બહાને ઘરે આવ્યા હતા. પાણી આપ્યા બાદ તે સાધુની વાતમાં આવી જતા પોતાને શારીરિક બીમારી હોવાની વાત કરી હતી. જેથી તે સાધુએ પોતે શારીરિક બીમારી દૂર કરી દેશે, તેના માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. સાધુની આ વાતથી મહિલાને વિશ્વાસ આવી જતા વિધિ કરવાની તૈયારી દર્શાવી હતી. જેથી તે સાધુ ઘરમાં આવી વિધિ માટે સોના-ચાંદીના ઘરેણાં રાખવા પડશેની વાત કરી હતી.

અંધશ્રદ્ધામાં ડૂબેલી મહિલાએ સાધુએ ઘરેણાંની વાત કરતા કબાટમાં રાખેલા રૂ.૫.૮૧ લાખની કિંમતના કુલ ૧૯ તોલા સોના-ચાંદીના ઘરેણાં લઇ આવી હતી. બાદમાં તે સાધુએ વિધિનું બહાનું કરી પોતાને પાણી પીવડાવ્યું હતું. તે પાણી પીધા બાદ પોતે બેહોશ થઇ ગઇ હતી. જ્યારે ભાનમાં આવતા ઘરમાં તે સાધુ કે તેને આપેલા સોના-ચાંદીના ઘરેણાં જોવા મળ્યાં ન હતા. જેથી સાધુ બની આવેલો શખ્સ ગઠિયો હોવાની અને તે ઘરેણાં તફડાવી ગયાની ખબર પડી હતી.

રાજકોટનો આ કિસ્સો લોકો માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો છે. જેમાં અંધશ્રદ્ધાના કારણે મહિલાએ પોતાની જીવનમૂડી ગુમાવવી પડી હતી. મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શંકાસ્પદ શખ્સને દબોચી લઈ આકરી પૂછતાછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.